સહકારી મોડેલ એ દેશ માટે આદર્શ આર્થિક મોડેલ છેઃ અમિત શાહ

Tuesday 30th November 2021 14:38 EST
 
 

અમદાવાદઃ ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના દુધ પાવડર પ્લાન્ટ, પોલિ ફિલ્મ પેકેજીંગ પ્લાન્ટ, વેરહાઉસીંગ સુવિધા સહિત અન્ય પ્રોજેક્ટનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે અમૂલને સહકારી મોડેલ-મહિલા સશક્તિકરણની સફળતાનું સૌથી મોટુ ઉદાહણ ગણાવ્યુ હતું.
તેમણે સ્પષ્ટપણે મત વ્યક્ત કર્યો કે, ગુજરાતે દેશને આપેલું સહકારિતા મોડેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું શ્રેષ્ઠ મોડેલ છે. આ ઉપરાંત સહકારી મોડેલએ દેશ માટે આદર્શ અને આર્થિક મોડેલ છે. સામાન્ય લોકોને સમૂહમાં જોડી પ્રચંડ જનશક્તિએ સહકારિતાની આગવી તાકાત છે. અમિત શાહે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધ્યાં છે ત્યારે ખેત પેદાશના સારા ભાવ મળે તે માટે અમૂલને માર્કેટિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરવા અપીલ પણ કરી હતી.
અમૂલ ફેડ ડેરીના દુધ પાવડર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વિશ્વમાં વિકાસના ઘણા મોડેલ આવ્યા છે પરંતુ આર્થિક સક્ષમતા સાથે સૌને વિકાસની ઉન્નતિની તક આપતુ સહકારિતાનુ મોડેલ આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રધાનમંત્રીએ સરકારમાં સહકારિતા વિભાગ શરૂ કરીને આપ્યુ છે.
૭૫ વર્ષ પહેલાં ૨૧ ગામોમાં શરૂ થયેલી સહકારી દૂધ ઉત્પાદન વેચાણની ચળવળ આજે ૧૮ હજાર ગામડાઓના ૩૬ લાખ સાથે જોડાઇ છે. સહકારિતાનુ જનઆંદોલન ગુજરાતે શ્રેષ્ઠતાપૂર્વક પ્રસ્થાપિત કર્યુ છે. આ ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને ગતિ આપવાની જ નહીં, દરેક ક્ષેત્રોને વિકાસમય બનાવવાની આગવી ક્ષમતા છે તેવો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, દુનિયામાં વુમન એમ્પાવરમેન્ટની ચર્ચા કરનારા લોકો આજે ગુજરાતની ગ્રામિણ નારીશક્તિની ક્ષમતાના ઉત્કૃષ્ઠ અમૂલ પેટર્નનો અભ્યાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે અમૂલના ૧૦૦ વર્ષ ઉજવીએ છીએ ત્યારે અમૂલને કયા સ્થાને લઇ જવું એ માટે અત્યારથી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા પણ અપીલ કરી હતી.


comments powered by Disqus