સુરતમાં દિક્ષાર્થીઓની દોઢ કિલોમીટર લાંબી ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી

Tuesday 30th November 2021 11:51 EST
 
 

સુરત: શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત ૭૫ સામુહિક દીક્ષા ઉત્સવના ચોથા દિવસે વર્ષીદાનનો ભવ્ય વરઘોડો રાજમાર્ગ પર નીકળ્યો હતો. દયાળજી બાગ મજુરાગેટથી નીકળેલી યાત્રા ૮ કિલોમીટર અંતર કાપીને અધ્યાત્મ નગરી પહોંચી હતી. દોઢ કિલોમીટર લાંબી યાત્રા આખા સુરત માટે નજરાણું બની હતી. ૧ લાખથી વધુ લોકોએ વરઘોડાના દર્શન કર્યા હતા.
સવારે ૯ વાગ્યે શાસનની ધજા લહેરાવતો કીર્તિસ્તંભ શાહી વર્ષીદાન યાત્રાની આગેવાની કરતો હોય એ રીતે સૌથી આગળ શાનથી ચાલતો હતો. જેની પાછળ હાથીની સવારી હતી. છ હાથીઓની સવારીની પાછળ ૧૦ ઘોડા અને ૧૦ ઘોડીઓની સવારી હતી. પછી બેન્ડવાજાની બઘડાટીએ વાતાવરણ ગજાવ્યું હતુ. યાત્રામાં ૭૫ દિક્ષાર્થીઓ માટે વિવિધ થીમ આધારિત કુલ ૯ બગી બનાવવામાં આવી હતી. રજવાડી બગીઓમાં સ્ટીમર, આર્મી ટેન્ક, રાજમહેલ, કિલ્લા વગેરે આકૃતિના ટેબ્લોમાં દિક્ષાર્થીઓ શોભી રહ્યા હતા યાત્રાની શરૂઆતમાં વનિતા વિશ્રામથી વરઘોડાના દર્શન કરનાર યોગતિલકસૂરી મહારાજા સહિત સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો યાત્રામાં સૌથી છેલ્લે જોડાયા હતા. અને પાછળ ભગવાનનો રથ હતો.


comments powered by Disqus