દાહોદ-સુખસર: જે વ્યક્તિને સેવા અને ત્યાગનો ભાવ જાગે છે તેઓ સંસારની તમામ સુખ, સંપત્તિ અને વૈભવના મોહતાજ નથી હોતા. એવા જ રાજકોટના દીકરી નિધિબેન શાહ આગામી તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ સંસારનો ત્યાગ કરીને દીક્ષાને માર્ગે જવાના છે. નિધિબેન શાહ એક હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમના કેશ માથાથી ગોઠણ સુધી લાંબા હોવાને કારણે જ તેઓને હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા હતા. આ ઉપરાંત તેઓ અમેરિકામાં કેન્સર પીડિતો માટે વીગ બનાવવા માટેની કંપનીમાં પણ નિયમિત રીતે પોતાના વાળ ડોનેટ કરતા હતા. બીબીએ સુધીનો અભ્યાસ કરનાર નિધિબેને ૧૯ વર્ષની વયે જ દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ માતા-પિતાની મંજૂરી નહીં હોવાને કારણે લઇ શક્યા ન હતા. સુપુત્રીએ બીજો વિચાર રજૂ કર્યો કે મારે લગ્ન કરવા જ નથી. જ્યાં સુધી સંયમ માર્ગે જવાની સહર્ષ સંમતિ નહીં મળે ત્યાં સુધી સેવામય જીવન વ્યતિત કરીશ. હવે ૧૨ વર્ષના સંઘર્ષ બાદ ફેબ્રુઆરીમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સમીપે નીતિનભાઈ શાહની સુપુત્રી સંયમ અંગીકાર કરશે.
ગુરુદેવે કહ્યું, કેન્સર પીડિતો માટે વિચાર્યું છે?
પરમ ગુરુદેવે એક વખત કહ્યું કે, નિધિબેન આ જગતમાં અનેક કેન્સર પીડિતો છે. જેઓને માથે વાળ નથી એનું ક્યારેય વિચાર્યું છે? તેજીને ટકોરો બસ નિધિબેને એ જ દિવસે પોતાના મસ્તક ઉપર રહેલા વાળ ઉતારી કેન્સર પીડિતો માટે બનતી વીગ માટે આપવાનો સંકલ્પ
કર્યો. U.S.Aની સંસ્થામાં પોતાના વાળ ડોનેટ કરી દેવાનું નક્કી કર્યું છે.

