૯ જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ

Tuesday 30th November 2021 14:33 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પહેલા ૯ મી જાન્યુઆરીએ બાવળા-રાજકોટ હાઇવે પરની આઇ-ક્રિએટ સંસ્થામાં ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ-૨૦૨૨નું આયોજન થશે તેમ શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સમિટમાં ગુજરાતના ૧૦ થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો, અગ્રણી રોકાણકારો, ૧૨૦૦ કરતાં વધુ સ્ટાર્ટઅપ અને ૫૦૦ ઔદ્યોગિક અગ્રણીઓ ભાગ લેશે. સમિટના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહેશે. સ્ટાર્ટ અપ નેશન તરીકે વિશ્વમાં પ્રખ્યાત ઇઝરાયેલ પણ સમિટમાં ભાગીદાર બનશે.
ગુજરાતના ૭૫ થી વધુ સ્ટાર્ટઅપ ભાગ લેશે
સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં દેશના ડઝન જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ સ્થાપકોને એક મંચ પર લવાશે. ઉપરાંત સમિટમાં ગુજરાતના ૭૫ કરતાં વધુ સ્ટાર્ટઅપ તથા ઈન્ક્યુબેશન કેન્દ્રો તેમનાં સંશોધનો રજૂ કરશે. મેગા શોના ફાઇનલિસ્ટ ઉપરાંત એક્સોપમાં હાજર રહેનારા સ્ટાર્ટઅપ માટે રૂ. ૮૮.૫ લાખના ઈનામો રાખવામાં આવ્યા છે.
વાઇબ્રન્ટ સમિટ માટે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર ૩૪ ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરવાની સુવિધા હતી. જેમાં વધુ ૯ પ્લોટ વધારાતા હવે અમદાવાદ એરપોર્ટ પર ૪૩ ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.
જો એકસાથે વધુ ચાર્ટર્ડ આવી જાય તો એ પરિસ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે નજીકના વડોદરા, સુરત, રાજકોટ, ઉદયપુર, જયપુર કે મુંબઈ એરપોર્ટને પણ ચાર્ટર્ડ એરક્રાફ્ટના પાર્કિંગ માટે તૈયાર રહેવાની સૂચના અપાશે.
મૂડીરોકાણ માટે અમેરિકામાં રોડ-શો કરશે
ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓનું બનેલું એક ડેલિગેશન રાજ્યની ૧૦મી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં મૂડીરોકાણ અર્થે અમેરિકાના પ્રવાસે જવા રવાના થયું છે. તેઓ અમેરિકામાં મૂડીરોકાણ આકર્ષવા રોડ શો કરશે. એ ઉપરાંત ભારતીય મૂળના સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારો સાથે બેઠક કરશે.
રાજ્ય સરકારે એવું પણ નક્કી કર્યું છે કે કોરોના મહામારીના કારણે જે દેશમાં જઇ શકાય તેવું નથી ત્યાં વર્ચ્યુઅલી બેઠકો કરાશે. રાજ્યના નાણા વિભાગના અગ્રસચિવ જેપી ગુપ્તાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ અમેરિકાના પ્રવાસે જવા રવાના થયું છે. આ પ્રતિનિધિઓ ૫ મી ડિસેમ્બર સુધી અમેરિકામાં રોકાણ કરશે અને અલગ અલગ સ્ટેટમાં રોડ-શો કરી ઉદ્યોગકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
આ ડેલિગેશન ન્યુયોર્કમાં નાસ્ડેકની મુલાકાત લેશે.


comments powered by Disqus