‘શબ્દસૃષ્ટિ’ વિશેષાંકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

Tuesday 30th November 2021 14:35 EST
 
 

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ થતાં માસિક ‘શબ્દસૃષ્ટિ’નાં દીપોત્સવી વિશેષાંક ‘સ્વાતંત્ર્ય ભૂમિ ગુજરાત’નું ૨૩ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યું હતું તે પ્રસંગની તસ્વીરમાં અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા, સચિવ અવંતિકા સિંઘ, યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનાં નાયબ સચિવ એસ.કે. હુદ્દા અને અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આઝાદીનાં અમૃત મહોત્સવની ઊજવણી નિમિત્તે ‘શબ્દસૃષ્ટિ’ના દીપોત્સવી વિશેષાંકને ‘સ્વાતંત્ર્ય ભૂમિ ગુજરાત’ વિષય પર તૈયાર કરવામાં આવ્યો છે. આ વિશેષાંકમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાહિત્યકારોનું પ્રદાન, સંગ્રામનું સાહિત્ય, પ્રતિબંધિત કૃતિઓ જેવા વિષયો પર ગુજરાતનાં મૂર્ધન્ય લેખકોના લેખ સામેલ કરાયા છે. ગુજરાતને જાણવા માટે આ એક સંદર્ભ ગ્રંથ બની રહેશે. મુખ્યમંત્રીએ વિમોચન પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીને આ વિશેષાંક ‘આઝાદીનાં અમૃત મહોત્સવ’ પર પ્રગટ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત સાહિત્ય અકાદમીની કામગીરીને બિરદાવી હતી.


comments powered by Disqus