રાજકોટઃ ગુજરાતે હર હંમેશા દેશ અને દુનિયાને કંઇક નવું આવ્યું છે. પછી તે ઔદ્યોગિક ક્ષેત્ર હોય,સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, માનવજાતના વિકાસ માટે હોય કે પછી વિજ્ઞાન અને ટેક્નોલોજીનું ક્ષેત્ર હોય આ ભૂમિમાં જન્મેલા લોકોએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પરંતુ માવજાતને કંઇક નવી ભેંટ પણ આપી છે. ગુજરાતને ગૌરવ અપાવે એવા આવા જ અદકા કાર્યનું કેન્દ્રબિદું બન્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતું રાજકોટ.
ગુજરાત સરકાર દ્વારા યુવાઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવી તેને સ્વરોજગાર તરફ વાળવાના પ્રયાસોના પરિપાક સ્વરૂપે રાજકોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર માન્ય એ.વી.પી.ટી. ઇન્સ્ટીટ્યૂટ કાર્યરત છે. અભ્યાસ કરતાં યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલે સાયન્સ ફિક્શન મુવીમાં વારંવાર પ્રદર્શિત થતું ડિવાઇસ જેને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન અથવા ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ડિવાઇસ કહેવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઇને તેમના કૌશલ્ય થકી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઇન બનાવી, તેની પેટન્ટ મેળવીને માત્ર રાજકોટવાસીઓનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતીઓનું મસ્તક ગૌરવથી ઉચું કર્યું છે. તેમનો આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઇનનો વિચાર આગામી દિવસોમાં અમલમાં મુકાશે ત્યારે માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓનું ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે.
તેમની આ સિધ્ધિની વાત કરતાં કાર્તિક કહે છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલા જી.ટી.યુ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત અમારા આ આઇડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને રૂપિયા ૨૫,૦૦૦ ની સહાય આપવામાં આવી. આ સહાયની મદદથી અમે બંને અમારા સ્ટાર્ટઅપની ભારતમાં પેટન્ટ માટે ‘એલિમેન્ટલ ગ્રીન ટેક’ દ્વારા એપ્લિકેશન કરતાં અમારી આ પેટન્ટને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત થતી પેટન્ટ જર્નલમાં તા. ૬ ઓગસના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. જેનો અમને ખૂબ આનંદ છે.
અમે આ પ્રકારાના વિડાઇસની ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજીસ્ટ્રેશન માટે એપ્લીકેશન પણ કરી છે. એમ જણાવતાં કાર્તિક સુરુ કહે છે કે, અમારા એલિમેન્ટલ ગ્રીન ટેકને પેટન્ટ ફાઇલિંગ માટે એ.વી.પી.ટી.આઇ.ના પ્રિન્સિપાલ ડો. એ.એસ.પંડ્યા અને કો-ઓર્ડીનેટર આર.ડી.રઘાણીનું ટેક્નિકલ ગાઇડન્સ અને મેન્ટરિંગ સપોર્ટ પણ સારો મળ્યો છે.
નોંધનિય છે, કે એલિમેન્ટલ ગ્રીન ટેક દ્વારા રજીસ્ટર કરાયેલ પેટન્ટમાં હાલની ટેક્નોલોજીની મર્યાદાને ધ્યાનમાં લઇને અશક્ય ગણાતા કાર્યને શક્ય બનાવીને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.તેના પરિણામે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં ઘટાડાની સાથો સાથ સ્માર્ટફોનને લગતાં ઘણાં પ્રશ્નોનો ઉકેલ મળશે. અને સૌ પ્રથમવાર ફુલ્લી ફંક્શન ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફઓન બનાવવું હવે શક્ય બનશે. આ ડિઝાઇનની સ્ક્રીન પારદર્શક, એટલું ન નહીં પરંતુ આ ડિવાઇસ જોવામાં પણ આકર્ષક લાગશે.