ભુજઃ રાધાકૃષ્ણ મંદિરમાં ૧૪૦ આહિર સતીઓની મૂર્તિઓના દર્શનથી ભાવિકો અભિભૂત થઈ ઉઠે છે જન્માષ્ટમી પર્વ પ્રસંગે હજારો લોકો પ્રાદેશિક વસ્ત્રોમાં ઊમટતા માહોલ ગોકુળમય બની જતો.
પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલુ વ્રજવાણીધામ તાલુકા મથક રાપરથી ૫૨ કી.મી.દૂર છે. ધોળાવીરા માર્ગ પરના ઐતિહાસિક અને પૌરાણિક ગામ છે. રાધાકૃષ્ણ મંદિરમાં સ્થાપિત એક સાથે આહીર કુળની સતી થયેલી ૧૪૦ દીકરીઓની પ્રતિમાઓ દર્શનાર્થીઓને અનેરી શ્રદ્ધા પુરી પાડે છે. અહીં દર વર્ષે ઉજવાતા કૃષ્ણ મહોત્સવને માણવા હજારો લોકો ઉમટે છે જે આ વખતે સાદગીપૂર્ણ રીતે ઉજવાશે.
માન્યતા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની બાલ્યાવસ્થા દરમ્યાન યાદવકુળના નંદબાવાના ઘરે ૧૧ વર્ષ અને ૫૨ દિવસ રહી બાળલીલાના દર્શન કરાવ્યા હતા તે સમયે ગોપીઓ સંગ ત્રણ રાસ લીલા સંપન્ન થઈ હતી જ્યારે ચોથી નાદબ્રહ્મ રાસ અધુરો રહી ગયો હતો. આ રાસ સેંકડો વર્ષ જુના પાવન ભૂમિ ધરાવતા વ્રજવાણી ગામના ધોલાસર ચોકમાં તત્કાલીન સમયના રાધાકૃષ્ણ મંદિર સન્મુખ વિક્રમ સવંત ૧૫૧૧ ના વૈશાખ સુદ ૪ ના રોજ યોજાયો હતો જેમાં આહીરવંશની ૧૪૦ (સાત વીશું) દીકરીઓએ ભગવાન ક્રુષ્ણની સાક્ષીએ નાદબ્રહ્મ રાસ રમ્યો હતો અને આ રાસ સંપન્ન થતા ભગવાન કૃષ્ણમાં લિન બની એક સાથે સતી બની ગઈ હતી. આ વિરલ ઘટનાના માનમાં અહીં રાધાકૃષ્ણનું ભવ્ય મંદિર બનાવાયું છે. આજથી ૫૬૬ વર્ષ પૂર્વે યોજાયેલી રાસલીલાની વિરલ ઘટના બાદ વ્રજવાણી ગામનો આહીર સમાજ દ્વારા અપૈયો(પાણી હરામ) કરાયો હતો. જેના કારણે આહીર સમાજનો અહીં એક પણ પરિવાર નથી રહેતો. મંદિર સ્થળ પરથી મળેલા અવશેષોને નૂતન મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે.