ભૂજઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં આવેલું ભીમાસર ગામ ઐતિહાસિક મહત્વતાની સાથે આધુનિક સુવિધા ધરાવતું સુંદરમજાનું ગામ છે. કેન્દ્ર સરકારની કર રાહત યોજના હેઠળ ભૂકંપ પછી ગામની આસપાસ ઘણી ખાદ્યતેલ રિફાઇનરીઓ આવી છે. ગ્રામ પંચાયત આ રિફાઇનરીઓ અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે વાર્ષિક રૂ. ૨ કરોડની કમાણી કરે છે. હાલ ચાર જેટલી ખાદ્યતેલ રિફાઇનરી આવેલી છે.
કચ્છમાં વર્ષ ૨૦૦૧ના આવેલા મહા ભૂકંપના કારણે સેંકડો ગામની સાથે ભીમાસર પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. હાલ ગામમાં પહોળા રસ્તાઓની સાથે , પર્યાવરણ રક્ષણ માટે બંને બાજુએ કતારબંધ લીલા વૃક્ષો છે. સમગ્ર ગામમા ૨૦ થી ૨૫ હજારથી પણ વધુ વૃક્ષો છે, તો છ કોમ્યુનિટી સેન્ટર, ગામની સલામતી હેતુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક આવેલું છે,જેનું ઓપરેટિંગ પંચાયત કચેરીમાંથી કરવામાં આવે છે. સુએજ લાઈન અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. ઉપરાંત તમામ ફળિયામાં આરસીસી રોડ છે. પ્રાથમિક અને માધ્યમિક શાળા સંકુલો છે. તો આત્મનિર્ભર બનવા તાલીમ કેન્દ્ર છે. મનોરંજન હેતુ બાગ બગીચા પણ ખરા. વીજળી, પાણીની ૨૪ કલાક સુવિધા રહેલી છે.