મહેસાણા: ગાંધીનગરના મહુડી ગામમાં ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રીકોટયર્ક પ્રભુનું મંદિર આવેલું છે. દેશભરમાં ભગવાન વિષ્ણુના અવતારોની શ્યામ સ્વરૂપે પુજા થાય છે ત્યાં મહુડીમાં ભગવાન વિષ્ણુની સૂર્ય સ્વરૂપની ચાર ભૂજાવાળી અને જનોઇ ધારણ કરેલી દેશની એક માત્ર શ્વેત મૂર્તિ છે. પ્રભુની ચાર ભૂજામાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે.
જો કે, એક પણ હાથમાં કમળ ધારણ કરેલું નથી. શ્રીકોટયર્ક પ્રભુ સાથે શ્રીઘનશ્યામરાયજી, શ્રીત્રિકમરાયજી અને શ્રીબાલકૃષ્ણ પ્રભુ બિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહના દ્વારની બંને બાજુ ભગવાન વિષ્ણુની બાર ભૂજાવાળી અને અષ્ટ ભૂજાવાળી શ્વેત મૂર્તિ હોવાનું શ્રીકોટયર્ક ખડાયતા સમિતિના પ્રમુખ કિરણભાઇ કે. શાહે જણાવ્યું હતું.
ઇ.સ. ૪૦૦માં જૂનું મંદિર બંધાવાયું હતું
શ્રીકોટયર્ક પ્રભુનુ મૂળ મંદિર સાબરમતી નદીના કિનારે માટીના પહાડ પર આવેલું છે. આ મંદિરની સ્થાપના ઇ.સ.૪૦૦ માં થઇ હતી. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં નદીના ભારે પ્રવાહના કારણે પહાડની ભેખડો ધસવા લાગી હતી. જેને લઇ વર્ષ ૧૯૨૬ માં મહુડી ગામના પશ્ચિમ છેડે લગભગ ૨૨ વિઘા જમીનમાં નવુ મંદિર ઊભુ કરી શ્રીકોટર્યક પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી.