ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)ના પ્રમુખ તરીકે સતત પાંચમી વાર શ્રી સુરેન્દ્ર પટેલની પુનઃ વરણી કરવામાં આવી છે. ૨૮ ઓગસ્ટ - શનિવારે ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. તેઓની સતત પાંચમી ટર્મ - જાન્યુઆરી ૨૦૨૨ – ડિસેમ્બર ૨૦૨૪ માટે ૩ વર્ષ માટે પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ ૨૦૦૯થી ચારુસેટના સ્થાપક પ્રમુખ છે.
સુરેન્દ્ર પટેલ પોતાની ક્ષમતામાં વિશ્વાસ દર્શાવવા બદલ તમામ પદાધિકારીઓ પ્રત્યે આભારની લાગણી સાથે સાથસહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ચારુસેટને વર્લ્ડ કલાસ યુનિવર્સિટી બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. બાદમાં યોજાયેલા સમારંભમાં વર્તમાન પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીએ પોતાના હોદ્દાનો ચાર્જ ચારુસેટના ચતુર્થ પ્રોવોસ્ટ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને યુનિવર્સિટીના ડીન (રિસર્ચ) ડો. આર. વી. ઉપાધ્યાયને સોંપ્યો હતો.