વડોદરા: ધર્માંતરણ, સરકારવિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા માટે સલાઉદ્દીન શેખ સહિતના આરોપીઓને છેલ્લા ૫ વર્ષમાં હવાલા અને મની લોન્ડરિંગ મારફતે રૂ. ૭૯ કરોડ મળ્યાં હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. જેમાંથી રૂ. ૬૦ કરોડ તો દુબઇથી હવાલા મારફતે મળ્યા હતા. જ્યારે રૂ. ૧૯ કરોડ સલાઉદ્દીને આફમી ચેરીટેબલ ટ્રસ્ટના નામે ચેકથી મેળવ્યાં છે. સલાઉદ્દીન શેખ આણી મંડળીએ ૭ કરોડ રૂપિયાનું ગુજરાતની ૮ સહિત દેશની ૧૦૩ મસ્જિદોમાં ફંડીગ કર્યું છે. સલાઉદ્દીન શેખ અને તેની ગેંગના જમ્મુ-કાશ્મીર, ભરૂચ અને સુરતમાં પણ કોન્ટેક્ટ હોવાનું બહાર આવ્યું છે.
નાણાંનો ગેરકાનૂની પ્રવૃતિમાં ઉપયોગ
પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું હતું કે, તપાસમાં મની લોન્ડરીંગ અને હવાલાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ દ્વારા ગેરકાયદે મની લોન્ડરીંગ અને હવાલા દ્વારા ધર્મપરિવર્તન, સરકારવિરોધી આંદોલન અને કોમી તોફાનોમાં સંડોવાયેલા લોકોને છોડાવવા માટે ફંડીગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ પાંચ વર્ષમાં દુબઇથી હવાલા મારફતે રૂ. ૬૦ કરોડ મેળવ્યા છે. જયારે યુકે, યુએસએ, યુએઈ અને દુબઈથી રૂ. ૧૯ કરોડ આફ્મી ટ્રસ્ટે એફસીઆરએ થકી રિસિવ કર્યાં છે. ટ્રસ્ટમાંથી ચેક વગર પેમેન્ટ મળી શકે તેમ ન હતું. જેથી વેપારીઓ પાસેથી બોગસ બિલ લઇ ચેકના બદલામાં રોકડ સલાઉદ્દીને મેળવી લીધી હતી.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં ધર્માંતરણ કરાવ્યું
ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના મામલે ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમે મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ધર્માંતરણ કરાવ્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે સલાઉદ્દીને તેના આફમી ટ્રસ્ટના ઓઠા હેઠળ સેવા કરવાના બહાને ૨૪.૪૮ કરોડ રૂપિયા મેળવ્યા હતા અને મોટાભાગની રકમ તેણે ધર્માંતરણમાં વાપરી હતી.
૧૦૦થી વધુ મસ્જિદો પાછળ નાણાં આપ્યાં
પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે સલાઉદ્દીને તેના આફમી ટ્રસ્ટના ઓઠા હેઠળ દેશમાંથી તથા વિદેશીમાંથી હવાલા મારફતે મળેલી કરોડો રૂપિયાની ચેરિટીની રકમમાંથી ૭.૨૭ કરોડ રૂપિયા દેશભરમાં પથરાયેલી ૧૦૦થી વધુ મસ્જિદોમાં વાપર્યા છે. સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટના ચેરીટીના નામે મેળવેલી રકમના છેલ્લા ૫ વર્ષના હિસાબો ચકાસ્યા બાદ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે સલાઉદ્દીનને ગુજરાત, આસામ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં મસ્જિદોને નાણાં આપ્યા હતા.