ગોધરા: તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના ખેતરમાંથી વેજલપુર પોલીસે ગયા શનિવારે પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પૌત્ર અને કાલોલ ધારાસભ્યના ભત્રીજાને રૂ. ૧૪.૬૬ લાખની કિંમતના વિદેશી દારૂની ૩૮૪ પેટી સાથે ઝડપી લીધો છે. પોલીસે એક ટેમ્પો પણ કબજે લઈને ભાગી છૂટેલા અન્ય વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે પૂર્વ સાંસદ પ્રભાતસિંહના પુત્રો આ અગાઉ પણ વીજ ચોરી, પ્રોહિબિશન સહિતના અનેક મુદ્દે ચર્ચામાં આવી ચૂક્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના મહેલોલ ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ અને રામપુર જોડકા ગામનો રમેશભાઇ ધનાભાઇ વણકર બંને ભાદરોલી ખુર્દના વાસ ડુંગરી ફળિયામાં રોડની બાજુમાં આવેલા ખેતરમાં ટેમ્પામાં ઈંગ્લિશ દારૂનો જથ્થો લાવીને હેરાફેરી કરી રહ્યા છે. પોલીસે રેડ કરતા ટેમ્પામાંથી બિયરની ૬૬ પેટીઓ અને ટેમ્પાની નજીક આવેલા ભોંયતળીયામાંથી મળી વિદેશી દારૂની કુલ ૩૮૪ પેટી મળી આવી હતી. પોલીસે રૂ. ૧૪.૬૬ લાખના વિદેશી દારૂ અને ત્રણ લાખ કિંમતનો ટેમ્પો મળીને કુલ રૂ. ૧૭.૧૬ લાખના મુદ્દામાલ સાથે દિવ્યરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. જોકે રમેશ વણકર અને બીજા ઈસમો ભાગી છૂટયા હતા.