ભલે પધાર્યા... કચ્છના આંઢવાળા તળાવમાં શિયાળા પહેલા જ સુરખાબ આવી પહોંચ્યા

Wednesday 01st September 2021 05:59 EDT
 
 

ભુજઃ કચ્છમાં શિયાળાના સમયગાળા દરમ્યાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષી સુરખાબ પોતાનો પડાવ નાખતા હોય છે. ઉનાળાની શરૂઆત થતા તેઓ પરત ફરી જતા હોય છે. શિયાળાની ઋતુમાં તેઓ કચ્છના દુર્ગમ વિસ્તારોમાં રહી વાતાવરણ ગુંજતું કરી રાખે છે. સુરખાબની વિશેષ હાજરી ભારત પાક. આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના મોટા રણમાં આવેલા અંડાબેટ પાસે આવેલી એશિયાની સુપ્રસિદ્ધ ફ્લેમિંગોસીટી જોવા મળે છે આ સ્થળે બે લાખ જેટલા નવા બચ્ચાઓ ચાલુ વર્ષે અવતરણ પામ્યા હતા. અલબત્ત કચ્છમાં વરસાદ ખેંચાઈ જતા દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. જિલ્લાના સેંકડો તળાવો, ડેમ અને પાણીના સ્ત્રોત સુકાઈ રહ્યા છે ત્યારે રાપરનગરના થોડુંઘણું બચેલું પાણી હાલ રૂપકડા સુરખાબ પક્ષીઓ માટે ઉપીયોગી બન્યું છે. તળાવમાં શિયાળાના આગમન પૂર્વેજ સેંકડોની સંખ્યામાં ફ્લેમીગો કલરવ કરતા જોવા મળી રહ્યા છે. હજારો માઈલ દૂર સાઇબિરીયાથી કચ્છમાં શિયાળો ગાળવા આવતા ફલેમિંગો બે થી ત્રણ મહિના પહેલા આવી જતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોમાંચની લાગણી ફેલાઇ છે. રાપર તાલુકામાં વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલની આસપાસ તથા અન્ય તળાવોમા વિદેશી મહેમાન ફલેમિંગોની સાથે બતક તેમજ અન્ય જળચર પક્ષીઓ હાલ નજરે ચડી રહ્યા છે. આ વિશે રાપર ઉતર રેન્જના વનપાલ પ્રભુભાઈ કોળીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આંઢવાળા તળાવમા એકાદ માસ ચાલે એટલું પાણી બચ્યું છે જેમાં આ વિદેશી યાયાવર પક્ષીઓને ખોરાક મળી રહે છે એટલે આ તળાવમાં એક સપ્તાહથી પક્ષીઓએ પડાવ નાખ્યો છે. રાપર આસપાસના લોકો પધારેલા યાયાવર પક્ષીઓને નિહાળવા આવી રહ્યા હોવાનું ગનીભાઈ કુંભારે જણાવ્યું હતું.


comments powered by Disqus