ભાવનગર: અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યો છે ત્યારે અનેક ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે મૂળ ભાવનગરનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યા હતા. આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો, જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાનથી પરત આવેલા શિવાંગ દવેએ જણાવ્યું હતું કે જ્યારે તાલિબાનોએ કબજો કર્યો હતો ત્યારે મારી નજર સામે ઘણુંબધું જોયું છે. એક અઠવાડિયા પહેલાં કાબુલથી હું પાછો આવ્યો છું. જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા, ટ્રાફિકજામ થઇ ગયો હતો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો કે કાબુલ એરપોર્ટ કેવી રીતે પહોંચીશું. કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં પણ એ તાલિબાનોના કબજામાં આવી ગયું હતું. હવે વતન પરત ફરવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. ઘણા રોકાણ બાદ ફ્લાઇટ આવી અને ભારત પરત ફર્યો હતો. તેણે વધુમાં જણાવ્યું કે તાલિબાનનો કબજો થયા બાદ બેંકમાં પૈસા નથી અને બધા જ કામ અટકી ગયા છે. હવે ભવિષ્યમાં શું થશે કહી શકાય નહીં.
