અંક્લેશ્વર: ભરૂચના હાંસોટના ઈલાવ ગામ પાસે કિમ નદીમાંથી એક માછીમારને માનવ મુખ જેવો આકાર ધરાવતી એક માછલી મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. માછીમાર માછલીને લઈ પોતાના ગામમાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકો પણ માનવ મુખ જેવું મુખ ધરાવતી માછલીને નિહાળી આશ્ચર્યમાં મુકાયા હતા.
હાંસોટના ઈલાવ ગામના રહીશ નરસિંહ રાઠોડ પોતાના નિત્યક્રમ મુજબ કિમ નદીમાં માછીમારી માટે ગયા હતા. પાણીમાં જાળ નાખતા અન્ય માછલીઓની સાથે એક અલગ જ દેખાતી માછલી પણ જાળમાં આવી જતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે, જે અલગ દેખાતી માછલી હતી તેના મુખનો આકાર માનવ ચહેરાને મળતો આવતો હતો. નરસિંહ રાઠોડ માછલીને લઈ પોતાના ગામમાં આવી પહોંચતા માછલીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. માણસ જેવું જ મુખ ધરાવતી માછલીને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. માછલી પાણીની બહાર હોવા છતા તેના પર કોઈ ખાસ અસર દેખાતી ન હતી.
અલગ દેખાતી માછલી પફર ફીશ હોવાનું ખુલ્યું
દેખાવ ઉપરાંત આ માછલી અન્ય એક ખાસિયત પણ ધરાવે છે. આ માછલી આકારમાં નાની હોય છે પરંતુ તે જયારે પણ અસલામતીનો અનુભવ કરે ત્યારે તે પોતાનો આકાર મોટો બનાવી શકે છે. પફર ફિશ સમુદ્ર અને નદીના પાણી જ્યાં ભળતા હોય છે તે વિસ્તારોમાં જોવા મળે છે. માછીમાર દ્વારા આ માછલીને બાદમાં જે વિસ્તારમાંથી તે મળી આવી હતી ત્યાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
એક પફર માછલીમાં રહેલું ટોક્સિન ૩૦ લોકોને મોતને ઘાટ ઉતારી શકે
એક પફર ફીશમાં રહેલું ટોક્સિન(ઝેર) ૩૦ લોકોને મારી શકે છે. ટેટ્રોડો ટોક્સીન ધરાવતી આ માછલી સાઇનાઇટ કરતા ૧૨૦૦ ગણી ઘાતક હોય છે. દુનિયાભરમાં આ પફર ફિશની ૧૨૦ જેટલી અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. જે તમામમાં ટોક્સિન હોય તેને આરોગી શકાતી નથી. હાલ તો માનવ જેવો ચહેરો ધરાવતા આ અનોખી માછલીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઇ રહ્યા છે.