રાજકોટઃ કોરોનાની બીજી ઘાતક લહેરમાં સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કૂલના મેદાનથી લઇને છેક રોડ સુધી એમ્બ્યુલન્સની લાઇન લાગી હોવાનો કંપારી છોડાવતા દ્રશ્યો જીવનભર ભલી શકાય તેમ નથી. હજુ સંભવિત ત્રીજી લહેરનો ખતરો તોડાઇ રહ્યો છે. ત્યાંરે એક નવીન ટેક્નોલોજી સાથે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જરૂર પડ્યે એકસાથે ૧૦૦ બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલની તૈયારી કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કરાવી છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન સિવિલ હોસ્પિટલની બહાર મંડપ ઉભા કરીને તેમાં દર્દીઓને સારવાર આપવી પડે તેવી હાલત સર્જાઇ હતી. મંડપની જગ્યાએ ગણતરીની મિનિટોમાં જ આઇ.સી.યુ.માં ઉપલબ્ધ હોય તેવી સુવિધા સાથે હોસ્પિટલનો જ રૂમ હોય તેવી આબૂહૂબ વ્યવસ્થા ઉભી થઇ જાય તેવી ટેક્નોલોજીયુક્ત વ્યવસ્થા કલેક્ટર કરાવી રહ્યા છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટની ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ બેડની પેરાશૂટ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. પેરાશૂટ હોસ્પિટલ જરૂર પડખે તરત જ ઊભી થઇ જશે અને તરત વાઇન્ડ અપ કરી શકાશે.