વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી જુન મહિનાથી શરૂ થવાની છે. જોકે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી આ પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે. આઈસીસીઆર (ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ) દ્વારા યુનિ.ને ૩૮ દેશોના ૫૮૮ વિદ્યાર્થીઓની અરજીઓ પ્રવેશ માટે મોકલવામાં આવી છે. આ પૈકી ૨૪૮ વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કે યુનિવર્સિટીની અલગ-અલગ દસ ફેકલ્ટીઓમાં પ્રવેશ અપાયો છે. બાકીની અરજીઓની ચકાસણી ચાલી રહી છે.
આઈસીસીઆર સાથે યુનિવર્સિટીએ જોડાણ કર્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે લગભગ ૧૩૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત અગાઉના વર્ષના વિદ્યાર્થીઓને ગણતરીમાં લેવામાં આવે તો હાલમાં યુનિવર્સિટીમાં ૨૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નવા શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા ૨૫૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. આઈસીસીઆર દ્વારા મિત્ર દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. આ વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ આઈસીસીઆર ઉપાડે છે. વિદેશી વિદ્યાર્થીઓને ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે વિકલ્પ આપવામાં આવે છે અને જેના આધારે તેમની પ્રવેશ માટેની અરજી જે-તે સંસ્થાને મોકલી આપવામાં આવે છે.