ભુજઃ વર્તમાન મહામારી કોવિડ–૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને જયારે કચ્છના કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત ઉભી થઈ છે ત્યારે અમેરિકાના દાતાઓએ આ ગંભિર પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલ શરૂ કરી છે. અમેરિકા સ્થિત મુળ માંડવી કચ્છના મનુભાઈ શાહે પોતાના માદરે વતન પ્રત્યેનું માતૃભૂમિનું ઋણ ચૂકવવા અને કોરોનાગ્રસ્ત દરદીઓની સેવાર્થે શાહ ફેમિલી ગ્લોબલ પ્રોજેકટના સહકારથી સેવા કાર્ય કર્યું હતું. તેમણે સર્વ મંગલ ફેમેલી ટ્રસ્ટ અને એમ.એસ.આઈ. ચેરિટેબલ ટ્રસ્ટ (અમેરિકા) દ્વારા કચ્છ તેમજ ભારતભરના દર્દીઓ માટે બિદડા સર્વોદય ટ્રસ્ટને ૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મોકલાવ્યા હતા. જે યુનિટોનું બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા કચ્છના ૮ તાલુકામાં નક્કી કરેલા ૧૭ સેન્ટરો પર છેવાડાના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવશે.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું કે ઓક્સિજનના બોટલની તંગી અને રીફીલીંગ માટે થતી અગવડ વચ્ચે કચ્છની પ્રજાને આ આફતની ઘડીમાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપયોગી બની રહેશે. ફકત એક સ્વીચ દબાવી ઈલેકટ્રીકથી ચાલતા આ મશીન ઓપરેટ કરવું ખૂબજ સરળ છે. ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલા કચ્છના ગામડાઓ પૈકી માંડવી, ભુજપુર, પત્રી, ગઢશીશા, ભુજ, ઘોરડો, નખત્રાણા, નિરોણા, મોટા યક્ષ, અબડાસા, લખપત, ડુમરા, કોઠારા, નલિયા, પાન્ધ્રો, ઘડુલી, આદિપુર, ગાંધીધામના સેન્ટરો પર ઓક્સિજન મશીન પ્રાપ્ત કરવા દર્દીઓને સ્થળ અને કોન્ટેકટ નંબરની માહિતી આપવામાં આવશે.