આણંદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીએ ચાલુ વરસે ઓર્ગેનીક ખેતી પર અનુસ્નાતક કક્ષાનો કોર્સ શરૂ કર્યો છે. હાલમાં કેન્સર સહિત વધી રહેલા જીવલેણ રોગોને લઈ રાસાયણિક ઉત્પાદનોની તુલનાએ વધી રહેલા ઓર્ગેનિક ઉત્પાદનની માંગને પગલે ઓર્ગેનીક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. ભવિષ્યમાં આ ક્ષેત્રે નિષ્ણાતોની જરૂરિયાત ઉભી થશે. ગ્રાહકોમાં ઓર્ગેનિક ખેત પેદાશોની માંગ વધતા સારી રોજગારી તેમજ આવક પણ નિર્માણ થશે. જેના પગલે ખેડૂતોને પુરતુ માર્ગદર્શન મળી રહે અને ઓર્ગેનીક ખેતી વિષે સંશોધન થઇ શકે તે માટે વૈજ્ઞાનિકો તૈયાર કરવા આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે ગુજરાત ઓર્ગેનીક કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. જે એમઓયુ અંતર્ગત પ્રથમ બેચમાં છ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેના પગલે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા હવે ઓર્ગેનીક ખેતી પર માસ્ટર ડિગ્રીનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. હાલ પ્રથમ બેચમાં છ વિદ્યાર્થીઓ જોડાયાં છે. જેમાં હોર્ટીકલ્ચરમાં બે અને એગ્રીકલ્ચરમાં ચાર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બંને યુનિવર્સિટીના સંશોધન નિયામકો, કુલસચિવો, ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણમાં રસ ધરાવતા વ્યક્તિને પણ પ્રોત્સાહન મળશે. આ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતુ કે, ગુજરાતના કૃષિ સ્નાતકો, કૃષિકારો, પશુપાલકો અને પર્યાવરણમાં રસ ધરાવતા સર્વેને પ્રોત્સાહન મળશે, તેટલું જ નહીં પણ આગામી સમયમાં સ્વાસ્થ્ય માનવ સમાજનું ઘડતર કરવામાં મોટું પરિબળ બની રહેશે.