ભાવનગરઃ અમેરિકાની જાદુગરોની સંસ્થા ઇન્ટરનેશનલ બ્રધરહૂડ ઓફ મેજિશિયન દ્વારા ઓનલાઇન મેજિક કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં દુનિયાના વિવિધ દેશોના જાદુગરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતમાં જાદુની એકેડમી ચલાવતા અભય જાદુગરે ભાગ લઇ વિજેતા થઈને બીજો ક્રમ મેળવી દેશનું નામ રોશન કર્યું છે. જેઓનું ભાવનગરના સોનગઢ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાના ઉમરદા ગામના વતની નરેશ માળી કે જેઓ જાદુગર અભયના નામે પ્રસિદ્ધ છે. તેઓ છેલ્લાં ૧૩ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં જાદુગર એકેડમી ચાલવે છે. આ એકેડમી થકી તેમણે ૫૦ જેટલા જાદુગરો તૈયાર કર્યા છે. હાલમાં અમેરિકા સ્થિત જાદુગરોની સંસ્થા આઇબીએમ (ઇન્ટરનેશનલ બ્રધરહૂડ ઓફ મેજિશિયન) દ્વારા આયોજિત ઓનલાઈન મેજિક કોમ્પિટિશનમાં વિવિધ દેશોના ૧૦૦ જેટલા જાદુગરોએ ભાગ લીધો હતો. જેમા ૬ અલગ અલગ દેશના જજનાં નિર્ણય દ્વારા જાદુગર અભય બીજા ક્રમે આવી ભારતની જાદુકળાને નવી ઉંચાઈએ પહોચાડી હતી. તેમજ ગુજરાત તથા ભારતને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જાદુગર અભય દક્ષિણ ગુજરાત મેજીક એકેડમીના પ્રમુખ પણ છે. અને સાથે સાથે ગુજરાતના જાદુગરો સાથે મળી લુપ્ત થતી જાદુકળાને બચાવવા પ્રયત્નો
કરે છે.