કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું નિધન

Wednesday 02nd June 2021 07:28 EDT
 
 

ભુજઃ અલગ કચ્છ રાજ્યના અડગ હિમાયતી એવા કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમિયાન ૮૫ વર્ષની વયે નિધન થયું હતું. તેમના અવસાનથી સમગ્ર કચ્છ પંથક સાથે દેશના રાજ પરિવારમાં દુઃખની લહેર ફેલાઈ છે. મહારાવશ્રીના અંતિમ દર્શન તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે રખાયા બાદ સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર રાજ પરિવારના સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમવિધિ કરાઈ હતી. મહારાવની તબિયત છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત હતી. આ દરમ્યાન તેમને કોરોના બીમારી લાગુ પડી ગઈ હતી. જેની સારવાર બાદ સ્વસ્થ થતા રજા પણ મળી ગઈ હતી. પરંતુ કેન્સરની બીમારીની વધું સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. પ્રાગમલજી ત્રીજાની અંતિમ યાત્રા રણજિત વિલાસ પેલેસ ખાતેથી નીકળી હતી. ઐતિહાસિક સ્થળ છતરડી ખાતે રાજ પરિવારની પરંપરા મુજબ તેઓના અંતિમ સંસ્કાર બ્રાહ્મણોની શાત્રોકત વિધિ સાથે કરવામાં આવ્યા હતા. સદગત દ્વારા નિયુક્ત કરાયેલા તેમના ત્રણ પ્રતિનિધિ કુંવર ઇન્દ્રજિતસિંહ, કૃતાર્થસિંહ અને મયૂરધ્વજસિંહના હસ્તે અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરાયા હતા.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દેશ આઝાદ થયો ત્યારે કચ્છના રાજવી તરીકે મહારાવ વિજયરાજજી હતા અને તે સમયે તેઓ લંડન ખાતે સારવાર હેઠળ હતા. તેમના આદેશથી તેમના પુત્ર મદનસિંહજીએ ૧૬મી ઓગસ્ટે વિલીનીકરણના દસ્તાવેજો ઉપર સહી કરી હતી.
એ સમયથી કચ્છનો `ક' વર્ગના રાજ્ય તરીકે ઉદય થયો હતો. ૨૬મી જાન્યુઆરી ૧૯૪૮ના મહારાવ વિજયરાજજીનું અવસાન થયા બાદ મદનસિંહજી મહારાવ બન્યા હતા. તેમનું ૧૯૯૧માં અવસાન થયા બાદ તેમના જ્યેષ્ઠ પુત્ર એવા પૃથ્વીરાજસિંહને ભુજના પ્રાગમહેલમાં ટીલામેડી વિધિથી મહારાવ તરીકે નિયુક્ત કરીને તેમનું પ્રાગમલજી ત્રીજા તરીકે નામકરણ કરાયું હતું. રાજપરિવારની પરંપરા મુજબ તેમને હિઝ હાઇનેસ મહારાજાધિરાજ મિર્ઝા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા સવાઇ બહાદુર ઓફ કચ્છ તરીકે નિયુક્ત કરાયા હતા. પરિવારના સભ્યો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રાગમલજી ત્રીજાએ અજમેરની મેયો કોલેજ તથા દહેરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
આ પછી દિલ્હી યુનિવર્સિટી ખાતેથી તેઓ સ્નાતક થયા હતા. કોલેજકાળમાં દેશના માજી વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી પણ તેમના સહઅધ્યાયી રહ્યા હતા. જીવનનો શરૂઆતનો તબક્કો મુખ્યત્વે મુંબઇ અને લંડન ખાતે ગાળનારા કચ્છના આ રાજમોભીએ તેમના શેષ જીવનન લાંબો સમય કચ્છમાં જ વિતાવ્યો હતો. તેઓ ત્રિપુરા સ્ટેટના જમાઇ હતા. રાજવી કુટુંબના સદસ્યની રૂએ પરંપરાઓના તેઓ હિમાયતી હતા. અલગ કચ્છને ખુલ્લું અને અડગ સમર્થન આપનારા સદ્ગત જીવનપર્યંત આ માટેના હિમાયતી રહ્યા હતા. ધરતીકંપ બાદના સમયમાં ભુજના પ્રાગમહેલનું પુન: નિર્માણ પણ તેમનાં દ્વારા કરાયું હતું. કચ્છ ઉપરાંત મુંબઇ ખાતે પણ મોટી મિલકતો ધરાવનારા પ્રાગમલજીએ ચાડવા રખાલ ખાતે મોમાઈ માતાના વિશાળ મંદિરનું કામ શરૂ કરાવ્યું હતું જે પૂર્ણતાના આરે છે. આ મંદિર માટે કચ્છ મહોત્સવ યોજવાની મહારાવની ઇચ્છા હતી પણ આ પહેલાં તેમનો જીવનદીપ
બુઝાયો હતો.
મહારાવના જીવનકાળ દરમિયાન તેમની મિલકતોને લઇને ભાઇઓ સાથેનો વિવાદ અને કાનૂની જંગ ઉપરાંત પતરીવિધિ સમયના વિવાદોનો ઘટનાક્રમ પણ રહ્યો હતો. આ દરેક પરિસ્થિતિમાં તેમણે પોતાના શાંત સ્વભાવ સહિતનાં પરિબળોનો અનુભવ કરાવ્યો હતો.
તેમની અંતિમવિધિમાં પરિવારના સભ્યો ઉપરાંત ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી અને બાબુભાઇ મેઘજી શાહ તથા રાજકુટુંબના સ્ટાફના સભ્યો જોડાયા હતા. તો રણજિત વિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શન માટે સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, અગ્રણી ભરત મહેતા સહિતના જોડાયા હતા.

મહારાવને વડા પ્રધાન દ્વારા કચ્છીમાં અંજલિ અપાઇ

કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનાં અવસાન બદલ દુ:ખની લાગણી વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ટ્વિટર ઉપર કચ્છી ભાષામાં અંજલિ આપી હતી. તેમણે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શોકમાં ગરકાવ થયેલા રાજપરિવાર અને મહારાવના શુભેચ્છકોને તેમણે સધિયારો

આપ્યો હતો.


comments powered by Disqus