અમદાવાદ: કોરોના પછી પુખ્ત વયના દર્દીમાં મ્યૂકર માઈકોસિસે કાળો કેર વર્તાવ્યો છે, બીજી તરફ માસૂમ બાળકોમાં કોરોના પછી મલ્ટિસિસ્ટમ-ઓર્ગન ઈન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઈન ચાઈલ્ડ (એમઆઈએસ-સી) બીમારી સામે આવી છે, અમદાવાદની સિવિલમાં એપ્રિલ અને મે એમ બે મહિનામાં ૧૦ બાળકો આ બીમારીમાં સપડાયા છે, જેમાંથી બે બાળકનાં મોત થયાં છે. આ બીમારીમાં ત્રણ દિવસ તાવ આવે, આંખ, હોઠ, શરીર પર લાલાશ આવવી, ચકામા થવા, ઝાડા-ઉલટી થવી, અશક્તિ લાગે, સોજા ચઢી જાય જેવા લક્ષણો છે, એ પછી કિડની-હૃદય-ફેફસાંને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
અમદાવાદ સિવિલના એડિ. સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, અત્યાર સુધીમાં સિવિલમાં કોવિડ પછી એમઆઈએસ-સીના ૧૦ કેસ આવ્યા છે, બે મહિનામાં બે બાળકના મોત થયાં છે, બાકી સાત બાળકો સાજા થયા છે અને હાલમાં એક બાળક સારવાર હેઠળ છે. સિવિલમાં ત્રણ વર્ષ સુધીના ત્રણ બાળકો, ૧૦ વર્ષ સુધીના ૬ બાળકો અને ૧૨ વર્ષથી વધુની વયના એક બાળકની સારવાર કરવામાં આવી હતી, આ રોગ બાળકોમાં માઈલ્ડ મોડરેટ
અને સિવિયર સ્થિતિમાં જોવા મળે છે.
ઘણા બાળકોને કોરોના થયો હોય અને તેની ખબર ના પડી હોય અને એ પછી આ નવો રોગ થયો હોય અથવા થઈ શકે તેમ છે, આ સ્થિતિમાં બાળકોને ચાંદા પડવા-લાલ દાણા શરીર પર પડે તેવા કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ.