નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, જે બાળકોના માતા-પિતા અથવા અભિભાવકનું કોરોના વાયરસના કારણે મોત થયું હોય તેઓને ‘પીએમ કેર ફોર ચિલ્ડ્રન ફંડ’ અંતર્ગત મદદ કરવામાં આવશે. આ અંતર્ગત તે બાળકોને ૧૮ વર્ષની ઉંમર થયા બાદ માસિક સ્ટાઇપેન્ડ અપાશે સાથે જ તે ૨૩ વર્ષના થઇ ગયા બાદ ૧૦ લાખ રૂપિયા અપાશે.
કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કર્યું હતું કે, ’ભારત સરકાર તેવા દરેક બાળકને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે જેમણે કોવિડ-૧૯ના કારણે પોતાના માતા-પિતા ગુમાવી ચૂક્યા છે. રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી જાણકારી આપવામાં આવી છે કે, એપ્રિલથી ૫૭૭ બાળકોના માતા-પિતાનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે.’
પીએમ કેર દ્વારા કોરોનાથી અનાથ થયેલા દરેક બાળકની ઉંમર ૧૮ વર્ષ થશે ત્યારે તેના નામે ૧૦ લાખની રકમની એફડી કરવામાં આવશે. તેના દ્વારા તેને દર મહિને આર્થિક સહાય મળી રહે તે રીતે ફેમિલિ સ્ટાઇપેન્ડ અપાશે. જે બાળકો ૧૦ વર્ષથી નીચેના હશે તેમના અભ્યાસ માટે ઘરની નજીકની સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવામાં આવશે. જો બાળકને ખાનગી સ્કૂલમાં મોકલવામાં આવશે તો તેની ફી પીએમ કેરમાંથી અપાશે.