ગઢડા: ગોપીનાથજી મંદિરમાં થોડા સમયથી શાંત રહેલા વાતાવરણમાં ફરીવાર વિવાદના વમળો ઉભા થયેલા છે. ટેમ્પલ બોર્ડની મિટિંગ પૂર્વ જ આચાર્ય પક્ષના ટ્રસ્ટી રમેશ ભગતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
જ્યારે આ બાબતે ટ્રસ્ટ રમેશ ભગતે જણાવ્યું કે, આજરોજ ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની બેઠક મળવાની હતી. જેમાં ચુંટાયેલા ટ્રસ્ટીના નાતે હું હાજરી આપવા જતો હતો ત્યારે પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી હતી. શા માટે અટકાયત કરી તે મને પણ ખ્યાલ નથી. પરંતુ અમારા એજન્ડા પ્રમાણે દર મહિને અમારી ટ્રસ્ટીઓની મિટિંગ મળતી હોય છે. આ બેઠકમાં હાજરી આપવા હું જતો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ મને જામીન આપીને છુટો પણ કરી દેવામાં આવ્યો હતો. હવે અમે આ બાબતે હાઇકોર્ટમાં જશું તેવું જણાવ્યું હતું. પરંતું મળતી વિગતો મુજબ ૭ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ગઢડા ગોપીનાથજી મંદિરના દેવપક્ષના ચેરમેન હરીજીવનદાસ સ્વામીને ધાકધમકી આપ્યાની આચાર્ય પક્ષના ટ્રસ્ટી રમેશ ભગત વિરૂદ્વ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં રમેશ ભગતની ધરપકડ બાકી હતી જે બાબતે પોલીસ ટ્રસ્ટી રમેશ ભગતની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. આમ ગઢડા ટેમ્પલ બોર્ડના વિવાદમાં છાશવારે અનૂકુળ સમયે પોલીસ કોના ઇશારે કુદતી હોવાના પ્રશ્નાર્થ અને આક્ષેપ વચ્ચે વધુ એક વિવાદ ઉભો થયેલ છે.