ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની અચાનક બદલી

Wednesday 02nd June 2021 06:34 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી ઓરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે ૩ વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકેની જવાબદારી નિભાવનારાં જયંતી રવિ અનેક વિવાદોમાં રહ્યાં હતાં. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક તેમની બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં કોરોના શરૂ થતાંની સાથે જ આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ ગુજરાતનું આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાનું બુમરાણ મચી ગયું હતું, જ્યારે બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડતાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જયંતી રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી તેમની ઉપરવટ જઈને નિર્ણયો લેતાં હોવાની ફરિયાદોને કારણે તેઓ નારાજ હતાં.


comments powered by Disqus