સુરતઃ જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને તારક મહેતાની મુનમુન સેન ઉર્ફે બબિતાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં અભિનેત્રી યુવિકા ચૌધરીએ પોતાના બ્લોગ માટે બનાવેલા વીડિયોમાં જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેથી વાલ્મીકિ સમાજની લાગણી દુભાઈ હતી, જેથી સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવી કલેકટર કચેરીની બહાર ઝેરી દવા પી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવિકા ચૌધરીએ વીડિયો બનાવતા સમયે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને લઇને ફરી એક વખત વાલ્મીકિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અભિનેત્રી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે લાગણી દુભાઈ છે. યુવિકા ચૌધરી જેવી જાણીતી અભિનેત્રી દ્વારા વાલ્મીકિ સમાજનું અપમાન કરાતાં સ્વાભિમાની સંસ્થાના પ્રમુખ કિરીટ વાઘેલા, રિતેશ સોલંકી અને પૂનમ હરિજને દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વાલ્મીકિ સમાજના અન્ય લોકો કાળી પટ્ટી પહેરીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. વિરોધ કરનારાઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે હાથમાં લાવેલી બોટલમાંથી ઝેર કે અન્ય કોઈ ઝેરી દ્રવ્ય પીવાનું શરૂ કરતાં જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. થોડીવાર માટે જિલ્લા સેવા સદન ખાતે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.