અમદાવાદઃ અમેરિકન નાગરિકોને લોન આપવાના નામે છેતરપિંડી કરતું ગેરકાયદેસર કોલ સેન્ટર અમદાવાદના વૈષ્ણોદેવી પાસેથી પકડાયું છે. અમેરિકનો પાસેથી બિટકોઈન વોલેટમાં પૈસા સેરવી લેતા અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના બે યુવકોને અડાલજ પોલીસે દબોચી લીધા છે. પોલીસને જોઈને બંનેએ પોતાના ફોન અને લેપટોપ ૧૩માં માળેથી નીચે ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે ડેટા એક્સ્ટ્રેક્ટ કરવામાં સફળતા મેળવી હતી. ફોરેનર રિજીયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ બ્યૂરો ઓફ ઈમિગ્રેશન તરફ મળેલા ઈનપૂટના આધારે જિલ્લા પોલીસ વડાને આ દિશામાં તપાસ કરવાની સૂચના આપી હતી.
ઈબ્રાહિમ ઈકબાલ (અફઘાનિસ્તાન) અને પાસુન મનલઈ (મોઝામ્બિક)ના પાસપોર્ટ નંબર અને વિઝાની તપાસ દરમિયાન તેઓ વૈષ્ણોદેવી સર્કલ નજીક રિફ્લેક્શન પેસિફિકાના જુદા-જુદા ફ્લેટમાં રહેતા હોવાનું સામે આવતા અને તેઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા હોવાથી ૨૬મેના રોજ પોલીસ ૧૩મા માળના પેન્ટ હાઉસમાં પહોંચી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં ત્રણ લેપટોપ, ચાર ફોન, બે હાર્ડ ડિસ્ક, રાઉટર, અંગ્રેજીમાં હિસાબ લખેલી ડાયરી અને ત્રણ પેનડ્રાઈવ મળી આવી હતી. માં બે દિવસની તપાસમાં ગેરકાયદેસર કોલસેન્ટર ચાલતું હોવાનું સામે આવતા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, અફઘાનિસ્તાનનો યુસુફ આ કૌભાંડનો સૂત્રધાર છે. તે લીડ આપવાથી લઈ બીટકોઈન વોલેટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટેના ક્યુઆર કોડ પૂરા પાડવાનું કામ કરતો હતો. યુસુફને ઝડપી લેવા પોલીસે કવાયત કરી છે.