નવીદિલ્હીઃ દેશમાં CAAના નિયમો હજું તૈયાર નથી ત્યારે જ પડોશના ત્રણ દેશોમાંથી ભારતમાં શરણાર્થી તરીકે આવેલા બિનમુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા આપવાનો નવો માર્ગ કેન્દ્ર સરકારે અમલમાં મુક્યો છે. ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને દેશના ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના ૧૩ જિલ્લામાં નિવાસ કરી રહેલા ત્રણ દેશના બિનમુસ્લિમ લોકોને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવા નિમંત્રણ આપ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકત્વ અધિનિયમ ૧૯૫૫ હેઠળ વર્ષ ૨૦૦૯માં ઘડાયેલા નિયમ હેઠળ થયેલા આદેશના અમલ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. નવા આદેશને વર્ષ ૨૦૧૯માં અમલી બનેલા નાગરિકત્વ સુધારા અધિનિયમ સાથે કોઇ સંબંધ નથી. સરકાર દ્વારા સીએએ નિયમ ઘડવાના બાકી છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં નરસંહારનો ભોગ બનેલી બિન મુસ્લિમ લઘુમતી જેમ કે હિંદુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી કે જે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારત આવી ચુકી હશે તેમને ભારતીય નાગરિકત્વ અપાશે. ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા, છત્તીસગઢના દુર્ગ અને બલોદાબઝાર, જાલોર, ઉદયપુર, પાલી, બારમેર અને સિરોહી, હરિયાણાના ફરિદાબાદ તેમ જ પંજાબના લાલંધર જિલ્લામાં વસી રહેલા લોકો નાગરિકત્વ માટે અરજી કરી શકશે.