ગાંધીનગર: રાજ્ય સરકારની સંશોધન સંસ્થા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ ગુજરાતને વેક્સિન માટે જરૂરી ડ્રગના ઉત્પાદન માટે ભારત બાયોટિક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે. જો આયોજનબદ્વ રીતે બધું પાર પડે તો ઓગસ્ટ મહિનાથી પ્રતિમાસ ૨ કરોડ વેક્સિન ડોઝનું નિર્માણ થઇ શકે એટલી ક્ષમતાના મટિરિયલનું ઉત્પાદન રાજ્યમાં થશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના આ એમઓયુથી ગુજરાતમાં ડ્રગ સબસ્ટાન્સમાં જથ્થાબંધ નોંધપાત્ર વધારો થશે. હેસ્ટર બાયોસાયન્સિઝ, લિમિટેડ વેક્સિન માટે ઉપયોગી એવા ડ્રગ સબસ્ટન્સના ઉત્પાદન માટે યોગ્ય અને જરૂરી બાયોસેફ્ટી લેવલ-૩ કક્ષાની લેબોરેટરીનું નિર્માણ કરશે. જ્યારે ઓમ્નિબીઆરએક્સ ટેકનોલોજી સપોર્ટર તરીકે ફરજ બજાવશે. ગુજરાત સરકાર કોઇ કંપની કે ઉત્પાદકને આર્થિક સહયોગ નહીં આપે, પરંતુ ઉત્પાદન વેળાએ ભારત બાયોટેક લિમિટેડ સાથે વેક્સિનના જરૂરી જથ્થાની ખરીદી માટે કરાર કરી શકે છે. આ બાદ વધારાના ૧ કરોડ વેક્સિન ડોઝ મળી શકશે.