રાજકોટ: ગીર સોમનાથના તાલાળા પાસેના કુચિયા ગામની માત્ર ૧૨ વર્ષની મયૂરીને નાકમાં ફંગલ ઈન્ફેક્શન થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાઈ છે. જે હાલ સૌથી નાની વયની દર્દી છે. સિવિલના ટ્રોમા સેન્ટરમાં માત્ર ૧૨ વર્ષની મયૂરી હરેશભાઈ બામણિયા નામની બાળકી દાખલ છે. તેનું ઓપરેશન કરાયું છે અને હવે હાલત સ્વસ્થ છે. રાજ્યમાં અત્યાર સુધીના નોંધાયેલા દર્દીઓમાં આ સૌથી નાની વયની દર્દી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મયૂરી કે તેના પરિવારમાં કોઇને હજુ સુધી કોરોના થયો નથી.
મયૂરીના મામા વિરમભાઈ જણાવ્યું હતું કે, ‘થોડા દિવસ પહેલા મયૂરીને તાવ આવ્યો હતો અને તાવ ન ઉતરતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો હતો. રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાં એક્સ-રેમાં પણ કોરોના ન નીકળ્યો. બાદમાં એમઆરઆઈ કરાવ્યું તો ફૂગનું ઈન્ફેક્શન સામે આવ્યું. અને સર્જરી પણ કરાવી.’