વિદેશ પ્રધાન જયશંકરે ટીમ બાઇડેનની મુલાકાત લીધી, અમેરિકા રસી આપવા તૈયાર

Wednesday 02nd June 2021 08:17 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશપ્રધાન એસ.જયશંકર શુક્રવારે અમેરિકી વિદેશપ્રધાન એન્ટીની બ્લિન્કેનની મુલાકાત લીધી. ત્યાર બાદ જયશંકરે ભારતીય પત્રકારો સાથે વાતચિતમાં કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન ભારતને કોરોના વેક્સિન મોકલવા ઇચ્છુક છે.
બંને વિદેશપ્રધાન વચ્ચે ભારત-ચીન સરહદ વિવાદ, દ્વિપક્ષી સંબંધો, કોરોના મહામારી તથા રસીના સપ્લાય જેવા મુદ્દે ચર્ચા થઇ, જયશંકરે કોરોના સામેની લડાઇમાં મુશ્કેલ સમયે ભારતને સાથ આપવા બદલ બાઇડેન સરકારનો આભાર માન્યો. અમેરિકામાં બાઇડેન રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા બાદ પહેલીવાર ભારતીય વિદેશપ્રધાન અમેરિકાના પ્રવાસે છે. તેઓ અમેરિકી સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન તથા અમેરિકાના ગુપ્તચર વડા એવરિલ હાઇન્સને પણ મળ્યા. બ્લિન્કેને કહ્યું કે અમેરિકામાં ગત વર્ષે કોરોના મહામારીની પહેલી લહેર વખતે ભારતે કરેલી મદદ અમેરિકા હંમેશા યાદ રાખશે.

પાકિસ્તાન મુદ્દે સ્પષ્ટ વલણ, આતંકવાદ કોઈપણ સ્વરૂપે ભારતને સ્વીકાર્ય નથીઃ એસ. જયશંકર

વિદેશપ્રધાન એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે જ્યાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જનરલ એચ.આર. મેકમાસ્ટર સાથેની વાતચીતમાં આતંકવાદ પર બોલતા તેઓએ કહ્યું હતું કે, ભારત ત્રાસવાદને ક્યારેય સહન નહીં કરે અને તેને કુટનીતિના ભાગરૂપે પણ યોગ્ય ગણાવશે નહીં. બંને દેશો વચ્ચે હજી કેટલાક મોટા મુદ્દાઓ બાકી છે અને ક્યારેક ને ક્યારેક બંને દેશોએ રસ્તાઓ શોધવા પડશે. હુવર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘ભારતઃરણનિતીક ભાગીદારી માટે તકો અને પડકારો’ અંતર્ગત કોરોના વાઈરસની સ્થિતિ અંગે બોલતા વિદેશપ્રધાનએ કહ્યું હતું કે દુનિયાના એક હિસ્સામાં રસીકરણ થાય અને બીજામાં ના થાય તે કોઈ માટે સુરક્ષિત રહેશે નહીં.’


comments powered by Disqus