વડોદરાઃ વિશ્વામિત્રી નદી સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા મહત્વનો ચુકાદો આવ્યો છે જેમાં નદીની આસ પાસ થયેલા ગેરકાયદે બાંધકામો તેમજ પુરાણ થયા હોય તેનું સેટેલાઇટથી મેપિંગ કરવા હુકમ કર્યો છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અંગે છેલ્લા કેટલાક વર્ષોથી લડત આપી રહેલા રોહિત પ્રજાપતિ અને તેમની ટીમે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા કેસ દાખલ કર્યો હતો.
આ અંગેનો ચુકાદો તાજેતરમાં આવ્યો છે જેમાં વિશ્વામિત્રી નદી પાવાગઢથી શરૂ થઈ પીન્ગલવાડા સુધી પહોંચે છે તેનું સેટેલાઇટથી મેપિંગ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદી પુનર્જીવિત કરવા અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીની આસપાસ જમીનો ઉપર બિલ્ડીંગ બંધાઈ ગયા છે એટલું જ નહીં કેટલીક જગ્યાએ કોર્પોરેશનને પોતે વિશ્વામિત્રી નદીના પટમાં કચરો ઠાલવી ને તેનું લેવલિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન પોતે જ ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવી ને પ્રદૂષણ કરી રહ્યું છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ ચાલી રહ્યો હતો જેમાં હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ગેરકાયદે બાંધકામનું મેપિંગ કરવા આદેશ કર્યો છે તેની સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી નહીં થવું અને ચોખ્ખું પાણી વહેતું થાય તેવા પ્રયાસો કરવા પણ જણાવ્યું છે.