સુરતઃ ડીઆરઆઇ અને કસ્ટમના એક સંયુક્ત ઓપરેશનમાં સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી યુનિર્વસલ ડાયમંડ કંપનીમાંથી સિન્થેટિક ડાયમંડ સાથે ભેળવીને નેચરલ ડાયમંડ હોંગકોંગ એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ ડાયમંડના બે કન્સાઇન્મેન્ટ સિઝ કર્યા હતા. જેની કિંમત ૬૦ કરોડથી વધુની છે. તપાસમાં બહાર આવ્યુ હતુ કે કંપની ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ કરવામાં આવી હતી.
આ કંપનીના કાગળ પરના કર્તાધર્તાએ કુલ ૨૫ કન્સાઇન્મેન્ટ વિદેશ મોકલી આપ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા ૬૦૦ કરોડથી વધુ છે. હાલ, ડીઆરઆઇ અધિકારીએ ફરાર થઈ ગયેલાં મીત કાછડિયાને શોધી રહ્યા છે જેણે આ કંપનીની શરૂઆત કરી હતી. અલબત્, પડદાં પાછળ હીરા ઉદ્યોગમાંથી જ કોઈ મોટું માથુ સંડોવાયેલું હોવાની શંકા છે કેમકે જે ડાયમંડ એક્સપોર્ટ કરાયા છે તેમાંથી કેટલાંક મોટા ડાયમંડ છે જેમાં એક ડાયમંડની કિંમત એક કરોડની છે. લોકલ માર્કેટમાંથી આટલાં કિંમતી ડાયમંડ કોઈ નાનો કારીગર કે પેઢી આપી ન શકે એવી ગણતરી ડીઆરઆઇ અધિકારીઓની છે. એક શક્યતા એવી છે કે નેચરલ ડાયમંડની ડ્યૂટી ન ભરવી પડે તે માટે આ કંપની ચાલુ કરાઇ હતી. SEZમાંથી એક્સપોર્ટ થતા માલ પર કોઈ ડયુટી લાગતી નથી. જેનો ફાયદો આ કેસમાં ઉઠાવવામાં આવ્યો. સિન્થેટિક ડાયમંડની સાથે નેચરલ ડાયમંડ હોંગકોંગ મોકલાતા હતા. સામાન્ય રીતે ઓવર વેલ્યુએશન કરીને હવાલા રેકેટને અંજામ અપાય છે. કાગળ પર માલની કિંમત મોટી હોય તે માલ ઇમ્પોર્ટ કરાય અને તેનું પેમેન્ટ ચૂકવવા માટે બેન્કિંગ ચેનલ મારફત જ રકમ મોકલી આપવામાં આવે છે. આ કેસમાં અન્ડર વેલ્યુએશન છે, માલની કિંમત ઓછી બતાવાઈ છે.