અમદાવાદઃ ભારત સરકારે અચાનક જ પાંચ વર્ષ પહેલા અમલી બનાવેલા ‘બ્લેક મની એક્ટ’નો કોરડો વિંઝવાનું શરૂ કર્યું છે. મુંબઈ સહિત દેશના અગ્રણી શહેરોમાં એક સાથે ૫૦૦થી વધુ કરદાતાઓને શો કોઝ નોટિસો પાઠવી છે.
એટલું જ નહીં, આ કાયદાની આકરી જોગવાઈ મુજબ તો ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં વસાવેલી મિલકતો વિશે પણ શંકા પડે તો કેન્દ્ર સરકાર આનો વિગતવાર ખુલાસો માગી તપાસ હાથ ધરશે. આ સાથે જ ચોક્કસ વર્ગમાં ફફડાટ ફેલાયો છે.
પહેલી એપ્રિલ, ૨૦૧૬ એટલે કે લગભગ પાંચ વર્ષ પહેલાં અમલમાં આવેલા ‘બ્લેક મની એક્ટ’ હેઠળ આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ શો કોઝ નોટિસો ફટકારવામાં આવશે.
આ પ્રકારની નોટિસોને પગલે કરદાતાઓ અને રેવન્યુ વિભાગ વચ્ચે ઘર્ષણ વધે તેવી શક્યતા છે. ઈન્કમટેક્સ કાયદા કરતાં વધુ કડક અને આકરી જોગવાઈઓ ધરાવતા ‘બ્લેક મની એક્ટ’ હેઠળ કરદાતાઓએ વકીલો- કોર્ટનો આશરો લેવો પડશે અને પોતાને નિર્દોષ સાબિત કરવાના રહેશે. કરદાતાઓ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા આગામી સપ્તાહમાં શો કોઝ નોટિસોમાં ઉઠાવાયેલા જટિલ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવાની રહેશે.

