ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ-બાયડ રોડ ઉપર મોસમપુર પાસે રવિવારે બપોરના સમયે પસાર થઈ રહેલી કાર ટ્રક સાથે અથડાયા બાદ રોડ સાઈડમાં ભડભડ સળગી ઉઠી હતી. અને તેમાં સવાર બાયડના તબીબ દંપતી આગમાં ભડથું થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં દહેગામ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે રવિવારે બપોરના સમયે દહેગામ-બાયડ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં કારમાં જ બાયડના તબીબ દંપતી ભડથું થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે. દહેગામ બાયડ રોડ ઉપર રોયલ સ્કુલથી લિહોડાની વચ્ચે મોસમપુર પાસેથી બાયડ તરફ જઈ રહી હતી તે સમયે સામેથી આવતી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને કાર રોડસાઈડમાં ધસી ગયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી.
જોતજોતામાં આખેઆખી કાર આગમાં લપેટાઈ હતી. જેના પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ તો મેળવી લીધો હતો પરંતુ તેમાં સવાર બે વ્યક્તિઓ ભડથું થઈ હતા. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બાયડના વાત્સલ્ય હોસ્પિટલના તબીબ મયુર મુકુંદભાઈ શાહ અને તેમના પત્નિ ડો. પ્રેરણા આ કારમાં પ્રવાસ કરતા હતા. આગ લાગ્યા બાદ કારમાંથી તેઓ બહાર નીકળી શકયા નહોતા. અમદાવાદથી બાયડ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.

