ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં સોમવારે શોકદર્શક ઠરાવ વખતે લાગણી વ્યક્ત કરતા ભાજપના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે કબૂલાત કરી હતી કે, કેશુબાપા જ મને ભાજપમાં લઇ ગયા, તેમણે મને ટીકીટ અપાવી અને તેની જ સરકાર ઊથલાવી તેનો મને આજે પણ રંજ છે. આ પગલાથી મને માનસિક તણાવ રહેતો હતો. એના કારણે જ આજે મને ડાયાબિટીસ અને બીપી જેવા રોગ થયા છે. ઉલ્લેખનીય છે. કે, રાઘવજી પટેલેને ૧૯૯૬ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં સ્વ. કેશુભાઇ પટેલ લાવ્યા હતા. આ પછી તેમણે ૧૯૯૬માં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે રાઘવજી શંકરસિંહ સાથે જોડાયા હતા.
ગૃહમાં પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કેશુભાઇ પટેલને શ્રદ્વાજંલિ આપતા રાઘવજી પટેલ જાણે વર્ષો જૂની ભૂલને કબૂલ કરવા કહ્યું હતું કે, મેં કેશુબાપાની સરકારને ઊથલાવવાની પ્રવૃત્તિમાં ભાગ લઇને અન્યાય કર્યો હતો. જે માણસ મને ભાજપમાં લઇ ગયા. જેણે મને ટીકીટ (ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાની) આપી, જેના નામ પર ચૂટાયા તેની સરકાર બની ત્યારે મારાથી સમય, સંજોગ ગમે તે કારણસર પગલું ભરાય ગયું હતું. જેના રંજ છે, તેના પરિણાણે મને માનસિક સ્ટ્રેસ રહેતો હતો. આજે ભૂલની કબૂલાત કરીને હળવો થઇ ગયો હોય તેવું લાગે છે.

