ચિંતા ટાળો, સ્વસ્થ રહો, મહેનત કરો અને મસ્ત રહોઃ કુંવરબહેનના શતાયુ જીવનનું રહસ્ય

Wednesday 03rd March 2021 05:07 EST
 
 

રાજકોટ: ‘શતાયુ સ્વસ્થ જીવન માટે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સ્વસ્થ રહો, મહેનત કરો, મસ્ત રહો... આખો દિવસ મનને સતત કામમાં રાખવાની અન્ય વિચારોથી દૂર રહીને જીવનને સ્વસ્થ રાખી શકાય છે.’ આજની યુવા પેઢીને આ સંદેશો આપે છે ૧૦૯ વર્ષના કુંવરબહેન. રાજકોટ નજીક ભાવનગર રોડ ઉપર આવેલા રાજસમઢિયાળા ગામે રવિવારે ૧૦૯ વર્ષના વયોવૃદ્ધ મતદાર કુવંરબેન લીંબાસીયાએ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન કરીને લોકશાહી ધર્મ નિભાવ્યો હતો. બાદમાં આજની યુવા પેઢીને સ્વસ્થ રહેવા માટે તન-મનની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.
ગામના જ નહીં, સમગ્ર પંથકના મતદારો માટે રોલ મોડેલ એવા કુંવરબહેને પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
કુંવરબહેનની માફક જસદણના વીરનગરમાં રહેતા ૧૦૫ વયના હીરાબાએ લાકડીના ટેકે આવી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. તેઓ ગાંધીજીની સાથે દાંડીકૂચમાં જોડાયા હતા. સ્વરાજ મળ્યા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવું જોઈએ તેવી લાગણી તેઓએ દર્શાવી હતી.
કાલાવડ તાલુકા પંચાયતની નવાગામની બેઠક પર શતાયુ મતદાર સુંદરબેન બેચરભાઈ મકવાણાએ તો પોરબંદરના ખંડેર ગામે ૧૦૦ વર્ષના નરશીભાઈ ભોજાભાઈ ચાવડાએ અને બાબરામાં ફુલઝર ગામે ૧૦૮ વર્ષના શાંતાબેન લુણાગરીયાએ પણ મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવ્યો હતો.


comments powered by Disqus