ત્રીજા તબક્કાના આરંભે રાજ્યમાં પહેલા જ દિવસે ૬૧,૨૫૪ નાગરિકોએ વેક્સિન લીધી

Wednesday 03rd March 2021 04:39 EST
 
 

ગાંધીનગરઃ કોરોના સામેના રસીકરણના ત્રીજા તબક્કાના પહેલા જ દિવસે ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝન અને ૪૫થી ૬૦ વર્ષ સુધીના ગંભીર બિમારી ધરાવતા કુલ ૬૧,૨૫૪ જેટલા નાગરીકોએ વેક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. નાગરીકોમાં વેક્સિનેશન માટે ઉત્સાહ પ્રવર્તે તે ઉદ્દેશ્યથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલીબહેને પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને રસી મુકાવી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ૧૫ દિવસ પછી પોતે વેક્સિન લેશે. તેઓ તાજેતરમાં જ કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત થયા છે. આ તરફ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ ત્રીજા તબક્કામાં વેક્સિન માટે પાત્રતા ધરાવતા ધારાસભ્યો રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકે છે તેમ જણાવ્યુ હતુ. નાગરીકોમાં ઉત્સાહ વધે, વિશ્વાસ સંપાદન થાય તે ઉદ્દેશ્યથી સુરતના સાંસદ દર્શનાબહેન જરદોશે વેક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૮,૮૩,૬૦૧ નાગરીકોએ કોરોના સામેની રસીને પ્રથમ ડોઝ લીધો છે. જેમાંથી ૧,૮૯,૬૨૪ નાગરિકોએ બીજો ડોઝ પણ મુકાવ્યો છે. પહેલા તબક્કામાં સરકારે આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા કોરોના વોરિયર્સને વેક્સિન આપવાનું શરૂ કર્યુ હતુ. બીજા તબક્કામાં સરકારી સેવાઓ સાથે જોડાયેલા અને લોકાડાઉન વખતે અને સાંપ્રત સમયમાં નાગરીકોના સીધા સંપર્કમાં રહેતા ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસી આપવાનો આરંભ થયો હતો. સોમવારથી ૬૦ વર્ષથી વધુ અને ૪૫થી ૬૦ વર્ષ સુધીના કોમોર્બિડ નાગરીકો માટે ત્રીજો તબક્કો શરૂ થયો છે.
વેક્સિન સરકારમાં વિનામૂલ્યે, પ્રાઇવેટમાં ડોઝના રૂ. ૨૫૦
સોમવારથી બીજા તબક્કામાં કોરોના સામે વેક્સિનેશન શરૂ થાય તે પહેલા સરકારે શનિવારે પ્રાઈવેટ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં રસી મુકાવવાના દરો જાહેર કર્યા હતા. સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં સરકાર દ્વારા વેક્સિન મફતમાં મુકવામાં આવશે. પરંતુ, જે નાગરિકો ખાનગી હોસ્પિટલ - ક્લિનિકમાં રસી લેવા ઈચ્છતા હોય તેમણે એક ડોઝના રૂ. ૨૫૦ લેખે બન્ને ડોઝના રૂ. ૫૦૦ ચૂકવવા પડશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યુ કે, સોમવારથી ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન અને ૪૫થી ૬૦ વર્ષ વચ્ચે ગંભીર પ્રકારના રોગોથી પીડાતા નાગરિકો માટે વેક્સિન આપવાનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે.
નાયબ મુખ્ય પ્રધાને રાજ્યમાં કુલ ૨૦૫૦ સરકારી આરોગ્ય સંસ્થાઓ અને ૫૩૪ ખાનગી આરોગ્ય સંસ્થાઓ ખાતે વેક્સિનેશન સેન્ટરો ઉપર વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થશે તેમ ઉમેર્યું હતું. તેમણે કહ્યુ કે, રાજ્યમાં કુલ ૨૦૨૫૦ આરોગ્ય સંસ્થાઓ, ૫૨૦ પીએમ-જનઆરોગ્ય યોજના સહિત ૫૩૪ ખાનગી આરોગ્ય સંસ્થાઓ ખાતે વેક્સિન સેન્ટરો ઊભા કરાશે.
પક્ષોના કાર્યકરો પાસે સમાજસેવા કરાવોઃ હાઇ કોર્ટ
કોરોના મહામારી મામલે હાઇ કોર્ટ લીધેલી સુઓમોટો અરજીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને એવી ટકોર કરી હતી. કે, ચૂંટણીઓ બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજકીય પક્ષોના તમામ કાર્યકરોને કોમ્યુનિટી સર્વિસ કરવા મોકલી દો. તે સિવાય આ સ્થિતિ નિયત્રંણમાં નહી આવે. સરકારે પણ ખંડપીઠના સુચનને યોગ્ય ગણાવ્યું હતું. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે ‘અમે ચૂંટણીને રેલી અને મેળાવડાના વીડિયો જોયા છે. કોઇ વ્યકિતએ માસ્ક પહેર્યા ન હતા. આ બધું કેવી રીતે ચલાવી શકાય? સોશિયલ ડિસ્ટન્સની તો વાત જવા દો, માસ્ક પહેરવાની તસદી પણ રાજકીય પક્ષોએ લીધી ન હતી.’ કોર્ટે સરકારને આ અંગે ખુલાસો કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી ૬ સપ્તાહ બાદ મુલતવી રાખી છે. કોરોના મામલે ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો. કે, કોવિડની અત્યારની શુ સ્થિતિ છે? કેટલો વધ્યો છે? અખબારોના જણાવ્યુ મુજબ ૪૭ ટકા જેટલો ઉછાળો કેસોમાં આવ્યો છે. સરકારે જવાબ આવ્યો હતો કે હાલ કેસ થોડા વધ્યા છે,પરંતુ કેસ વધશે તો અમે પહોંચી વળીશું.


comments powered by Disqus