રાજકોટ: લગ્નપ્રસંગે વિધિ-પરંપરાના નામે ચાલતા કુરિવાજોને જાકારો મળે તે માટે કોટડા-સાંગાણીના રામોદ ગામના રાઠોડ પરિવારે નવતર પ્રયોગ કર્યો હતો. રંગેચંગે લગ્ન સમારંભ પૂરો થયા બાદ નવદંપતીને સ્મશાનમાં ઉતારો અપાયો હતો. એટલું જ ભૂતડાઓ ડીજેના તાલે ફૂલેકામાં જોડાયા હતા અને નવદંપતીઓનું સ્વાગત કરતા લોકોમાં રોમાંચક જોવા મળી હતી.
સમાજમાંથી અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ રાઠોડ પરિવારે લગ્નમંડપમાં ઉચ્ચારાતા કન્યાદાનના પરંપરાગત શબ્દોને તિલાંજલિ આપી હતી. રાઠોડ પરિવાર સમાજને એ સંદેશ આપવા માગતો હતો કે દીકરી ‘દાનમાં દેવાની ચીજવસ્તુ નથી’.
રામોદ ગામે રહેતા અંકિત રાઠોડના લગ્ન સોમવારે ગોંડલ તાલુકાના મોવિયા ગામના સુરેશભાઇ દાનાભાઇની દીકરી નિલમ સાથે થયા હતા. લગ્ન સમારંભ પૂરો થયા બાદ જાન રામોદ ગામે પરત આવી હતી અને નવદંપતીને ઉતારો ગામના સ્મશાનમાં આપવામાં આવ્યો હતો. આ અનોખો લગ્નપ્રસંગ નિહાળવા માટે ગામના લોકોની મોડી રાત સુધી હાજર રહ્યા હતાં.
આ લગ્નપ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો સમક્ષ અંધશ્રદ્ધાનું તૂત દૂર કરતાં અનેક પ્રયોગો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમ કે, એકના ડબલ, રૂપિયાનો વરસાદ, ભૂવાની સાંકળ મારવાની રીત, સળગતા અંગારા ખાવા, ધૂણવું, સવારીની ડીંડકલીલા, મનગમતી વસ્તુઓ ખાવી, બેડી તૂટી જવી, હાથમાંથી કંકુ-ભસ્મ કે લોહી નીકળવું વગેરે જેવા પ્રયોગો કેવી હાથચાલાકીથી જાય છે તેનું નિદર્શન કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. વળી, આ પ્રસંગે નવતર પ્રયોગ કરીને શુભ-અશુભ મુહૂર્ત, ચોઘડિયાને જમીનદોસ્ત કરીને દફનાવી દેવામાં આવ્યા હતા.
અંધશ્રદ્ધા નિર્મૂલન માટે વર્ષોથી કાર્યરત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, લગ્નપ્રસંગમાં જડતા, વર્ષો જૂની માન્યતામાં શ્રદ્વા રાખવી, કુરિવાજો, કુપ્રથાને તિલાંજલિ આપવાની જરૂર છે. દૃઢ મનોબળ કેળવતા આપોઆપ સમસ્યા ઉકેલાય જાય છે.

