જૂનાગઢ: શહેરની ભવનાથ તળેટીમાં ૭ માર્ચથી યોજાનાર મહાશિવરાત્રી મેળો કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો છે. સોમવારે કલેકટર, સાધુસંતો તથા આગેવાનાની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સાધુસંતો દ્વારા પરંપરા જાળવવા માટે કોવિડની ગાઈડલાઈન મુજબ પૂજાઅર્ચના થશે. આ બાબત અંગે પણ અખાડાઓના સાધુની બેઠક યોજીને તેમાં નિર્ણય કરવામાં આવશે. જોકે પૂજાઅર્ચનામાં લોકોને પ્રવેશ નહી મળે.
ગિરિવર ગિરનારની ગોદમાં દર વર્ષે મહા વદ નોમના ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થાય છે અને મહાશિવરાત્રીની રાત્રે સાધુ-સંતોની રવેડી બાદ મેળો સંપન્ન થાય છે. પાંચ દિવસીય આ મેળામાં લાખો ભાવિકો ઉમટી પડે છે અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ માણે છે. આ વર્ષે આગામી મહાવદ નોમ - ૭ માર્ચથી મહાશિવરાત્રી મેળો યોજાનાર હતો, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે દર વર્ષે યોજાતો મહાશિવરાત્રી મેળો રદ કરવામાં આવ્યો છે.
કલેકટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, રાજય સરકારની સુચનાથી બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના મહામારીના કારણે આ વર્ષે મહાશિવરાત્રી મેળો નહી યોજવા અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા મુજબ ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે તથા પૂજાવિધિ કરાશે. મહાશિવરાત્રીની રાત્રે રવેડી અને મૃગીકુંડમાં સ્નાન થશે. જોકે આ કોઇ પણ પ્રસંગે જાહેર જનતા ઉપસ્થિત રહી શકશે નહીં.

