મારે અક્ષરને એન્જિયર બનાવવો હતો, પરંતુ તેણે ક્રિકેટને કારકિર્દી બનાવીઃ માતા પ્રીતિબહેન

Wednesday 03rd March 2021 05:21 EST
 
 

નડિયાદ: અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટમાં ઇગ્લેન્ડ સામે ભારતનો ભવ્ય વિજય થયો છે. જેમાં નડિયાદના અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે. ઘર આંગણે તેની આ સિદ્વિને માતા-પિતા સહિત પરિવારે હર્ષથી વધાવી લઇને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. જોકે તે આ મુકામ સુધી પહોંચ્યો તેમાં માતા-પિતાનો સિંહફાળો રહ્યો છે. આ બાબતે તેના માતા કહે છે કે હું તેને એન્જિનિયર બનાવવા માંગતી હતી પરંતુ તેના પિતાના સહકારથી તે આજે સારો ક્રિકેટર બન્યો છે.
અક્ષર પટેલના માતા પ્રીતિબહેન જણાવ્યું હતું કે, ‘અક્ષરેના નાનપણથી જ ક્રિકેટનો બહુ શોખ હતો. પાંચ વરસનો થયો ત્યારથી તે રમકડાંમાં હંમેશા ક્રિકેટ બોલ જ પસંદ કરતો હતો. રાત્રે સુતી વખતે પણ બોલ સાથે જ રાખતો હતો. જોકે, અભ્યાસમાં તેજસ્વી હોવાથી અમે તેને એન્જિનિયર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ ૧૩ વરસની ઉંમરથી જ તેણે ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી. એક સમયે તેને આંખ પર બોલ વાગતા અમે તેને ક્રિકેટ છોડાવી દેવાનું વિચાર્યું હતું.
પરંતુ તેના પિતા રાજેશભાઇએ સમજાવટથી કામ લીધું હતું અને તેમણે કહ્યું કે રમતમાં આવું થયાં કરે. આખરે ફરી ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. ખેડા ડિસ્ટ્રીક્ટ ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ શરૂ થયા બાદ ધીમે ધીમે તે આગળ વધતો ગયો અને આજે તે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યો છે. તેણે અમદાવાદ ખાતે બોલીંગમાં સારો દેખાવ કરી મેન ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યો છે. તે જોઇ સમગ્ર પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.’
ભણવું કે ક્રિકેટ? - એક જ પસંદ હતી
અક્ષરની ક્રિકેટર તરીકેની કારકિર્દી સડસડાટ ચાલી રહી હતી. તે દરમિયાન તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ સમયે તેની પાસે અભ્યાસ કરવો અથવા ક્રિકેટર બનવું બેમાંથી એકની પસંદગી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ સમયે તેના પિતા રાજેશભાઇને તેને ક્રિકેટ પસંદ કરવા જણાવ્યું હતું બાદમાં તેણે અભ્યાસ છોડી ક્રિકેટર કરીકે કારર્કિર્દી બનાવી હતી.
પરીક્ષાની તૈયારી માત્ર દસ જ દિવસ
અક્ષર પટેલની માતાએ જણાવ્યું હતું કે, એસએસસીની પરીક્ષા વખતે અક્ષર બહારગામ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયો હતો. આમ છતાં તે દસ દિવસ બ્રેક લઇને પરીક્ષા આપવા ખાસ નડિયાદ આવ્યો હતો. જોકે, આ સમયે તેને ઓછા માર્ક્સ આવવાનો ડર હતો, પરંતુ તે પાસ થઇ ગયો હતો.


comments powered by Disqus