રાજકોટ: સૌરાષ્ટ્રના મહાનગરનું ડોમેસ્ટિક એરપોર્ટ ફરી ધમધમતું થઇ રહ્યું છે. રાજકોટથી મુંબઇ અને દિલ્હીની નિયમીત ફ્લાઇટ શરૂ થઇ ચૂકી છે, અને ૨૬ ફેબ્રુઆરીથી રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રાજકોટ-બેંગલુરુની સીધી ફ્લાઇટનો પ્રારંભ થયો છે. રાજકોટ એરપોર્ટ પર ૧૨૩ પેસેન્જર સાથે બેંગલુરુથી સ્પાઇસ જેટની ફ્લાઇટ આવી પહોંચી હતી, જેનું વોટર સેલ્યુટથી સ્વાગત કરાયું હતું. આ ફ્લાઇટમાં રાજકોટથી ૧૨૨ મુસાફરો બેંગલુરુ જવા રવાના થયા હતા. તમામ મુસાફરોનું મીઠાઇથી મોં મીઠુ કરાવાયું હતું. આ ફ્લાઇટ દરરોજ બપોરે ૨:૩૦ કલાકે બેંગલુરુથી આવશે અને ૩ વાગ્યે અહીંથી રવાના થશે. બેંગલુરુથી સ્પાઇસ જેટનું બોંઇગ ૭૩૭ વિમાન રાજકોટ માટે ફાળવાયું છે.
આગામી તારીખ ૭મી માર્ચથી રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ દ્વારા વધુ એક ડેઇલી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. મુંબઇથી દરરોજ સાંજે ૭:૧૦ કલાકે સ્પાઇસ જેટની ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ૭:૪૦ કલાકે ઉડાન ભરશે. સ્પાઇસ જેટની રાજકોટ – મુંબઇ વચ્ચેની આ બીજી ડેઇલી ફ્લાઇટ શરૂ થશે. આ સાથે રાજકોટ, એરપોર્ટ પર દૈનિક ૭ ફ્લાઇટનું અવાગમન થશે.રાજકોટ એરપોર્ટ પર હાલમાં બે વિમાન પાર્ક થઇ શકે એવી વ્યવસ્થા છે. વધુ ૪ વિમાન પાર્ક થઇ શકે એવી સુવિધાનું નિર્માણ થઇ રહ્યું છે. જે એકાદ મહિનામાં કામગીરી પુરી થઇ જશે. ત્યાર બાદ એક સાથે છ વિમાન પાર્ક થઇ શકશે.

