વડોદરાના આધેડને લગ્નની વિધિના નામે ફસાવીને રૂ. ૯૭ લાખ પડાવ્યા

Wednesday 03rd March 2021 05:43 EST
 

વડોદરાઃ શહેરના એક આધેડને લગ્નના નામે વિધિ કરવાની જાળમાં ફસાવી ઠગ ટોળકીએ ઓનલાઈન આશરે રૂ. ૯૭ લાખ જેટલી મોટી રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
સુભાનપુરામાં રહેતા અને તાલીમ કચેરીમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા દિપક અંબાલાલ શાહે પોલીસને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં મોબાઈલ પરથી વૈદિક નારાયણ જ્યોતિષના આચાર્ય કમલદેવનો ફોન આવ્યો હતો. બાદમાં જુદા જુદા જ્યોતિષો સાથે વાત થતી હતી. જ્યોતિષીઓએ મારા ભાગ્યમાં લગ્નયોગ છે, ૩૫ થી ૪૦ વર્ષની કન્યા મળશે અને મારા ભાગમાં સંતાનસુખ પણ લખાયું છે... તેમ કહીને અમારા કુટુંબ ઉપર દુષ્ટ આત્માનો છાયો દૂર કરવાની વિધિ બાબતે વાતચીત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો વિધિ નહીં થાય તો મારા કુટુંબના દરેક સભ્ય ઉપર જાનનું જોખમ છે.
દિપકભાઈએ પોલીસને કહ્યું હતું કે, ઠગ ટોળકીએ દુષ્ટ આત્માને શાંત કરવા માટે અઘોરી બ્રાહ્મણોને બોલાવી રક્તબલિ આપવાની વિધિ કરવાની વાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે બલિ આપવા માટે લાવેલી ભેંસ અદૃશ્ય થઈ ગઈ છે... જેથી ફરીથી ભેંસ લાવવી પડશે. આમ ત્રણ વર્ષ દરમિયાન આ ટોળકીએ વિધિ દરમિયાન જુદા જુદા કારણો બતાવીને વારંવાર બેન્ક એકાઉન્ટ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવીને અત્યાર સુધીમાં કુલ રૂ. ૯૭ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. સાયબર સેલે આ ફરિયાદના આધાર મહાગુરૂજી, પુષ્કર મહારાજજી, બ્રહ્મરૂપઋષિ, દિપક શાહજી, રાહુલજી તેમજ બ્રહ્મર્ષિ નેપાળવાળા અને બેન્ક એકાઉન્ટના ધારકો સામે ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus