ભુજઃ કચ્છમાં સૌપ્રથમ ૨૦૦૩ માં શરદોત્સવના નામે લોરિયા નજીક ત્રિદિવસીય ઉત્સવ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યોજ્યો પ્રવાસનને વેગ મળે તે હેતુથી આરંભાયેલા આ ઉત્સવ ધીમે ધીમે ધોરડો સફેદ રણમાં ખસેડાયો. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે રણોત્સવ યોજવાનું શરૂ કર્યું ત્યારે ૧ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી ૪૫ દિવસ ઉજવાતો, જેને લીધે વાસ્તવમાં સફેદ રણ માણવા મળતું પરંતુ છેલા થોડા વર્ષોથી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો વધતા વ્યાવસાયિક ફાયદો ઉઠાવવા નવેમ્બરથી પ્રવાસીઓને આકર્ષવા ખાનગી રાહે જાહેરાતો કરવામાં આવે છે.
૪૫ દિવસ આગળ પર્યટકોને આમંત્રણ આપવાને કારણે પ્રવાસીઓ તો આવે છે, પણ સફેદ રણ જોવા ન મળતા હતાશ થઈને પરત જાય છે. જેની અવળી અસર પ્રવાસીઓ આવતા ઓછા થઈ જાય અને કેવડીયા કે ગીર તરફ વળી જાય એવું આગામી થોડા વર્ષોમાં જોવા મળે તો નવાઈ નહી.
સફેદ રણ કુદરતની રચના છે. તેને અન્ય કોઈ પરિબળ ફેરવી નથી શકતું. કચ્છમાં વરસાદ તેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઓછો અને મોડો પડે છે. ક્યારેક જ અરબી સમુદ્રમાં હળવું દબાણ થાય તો અણધાર્યો વરસી પડે. આ વર્ષે દાયકાઓ પછી એવું બન્યું કે, સપ્ટેમ્બર અંતમાં ૨૭૭ મીમી વરસાદ નોંધાયો. આ વરસાદી પાણીને વરાળ બનતા કે જમીનમાં ઉતરતા એક મહિનો લાગે તેવું જણાવતાં ધોરડોના નાલે મીઠાભાઈ જત જણાવે છે કે, પાણી સુકાઈ જશે તો પણ શિયાળાનો પશ્ચિમ-ઉતરાદો પવન લાગશે એટલે દરિયાઈ પાણી પ્રવેશ કરશે. જે સુકાશે ત્યારે મીઠાનું સ્તર બનશે જેને આપણે સફેદ રણ કહીએ છીએ. આ પડ મજબૂત બને પછી જ તેના પર ચાલી શકાય, નહીંતો નીચે દલદલ જોખમી બને છે.
