રાજકોટ: ગુજરાતમાં બે પંખી અભ્યારણ્યોને રામસર સાઈટની આંતરરાષ્ટ્રીય માન્યતા મળ્યા બાદ સૌરાષ્ટ્રના જામનગરથી ૧૨ કિમી.ના અંતરે આવેલા ખીજડીયા પંખી અભ્યાણ્યને નોમીનેટ કરવામાં આવ્યું છે. ઈ.સ. ૧૯૮૨માં સ્થપાયેલા અને ૬.૦૫ ચો.કિ.મી.માં પથરાયેલા આ અભ્યારણ્યમાં દેશવિદેશના ૩૧૨ પ્રજાતિના પંખીઓ છે જેને રામસર સાઈટ માટે પસંદ કરવા દરખાસ્ત મૂકાઈ છે અને માન્યતા મળવા તંત્ર આશાવાદી છે.
ગુજરાતમાં સૌથી મોટું અભ્યારણ્ય ગણાતા અને વનવિભાગ હસ્ત આવેલા ખીજડીયાની એક આગવી વિશેષતા એ છે કે ત્યાં દરિયાના ખારા પાણીના અને નદી-તળાવના મીઠાં પાણીના એમ બંને પ્રકારની પર્યાપ્ત વ્યવસ્થા હોય બંને પાણીમાં રહેતાં પંખીઓ જોવા મળે છે. ભાગ્યે જ કોઈ સાઈટ પર આવી વિશેષતા હોય છે. અહીં વૃક્ષો ઉપર, જમીન ઉપર અને પાણી ઉપર પંખીઓના માળા નજરે પડે છે અને સમુદ્ર કાંઠો નજીક હોય ૨૫૭થી વધુ પ્રકારના વિદેશી પંખીઓનું તે માનીતું સ્થળ રહ્યું છે. સલીમ અલીએ આ સ્થળની ૧૯૮૪માં મુલાકાત લીધી ત્યારે એક જ દિવસમાં ૧૦૪ પ્રજાતિના પંખી નોંધ્યા હતા.

