ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં તલગાજરડા ખાતે મોરારિ બાપુની મુલાકાત લીધી હતી. મોરારિ બાપુએ તેમના ગામમાં હનુમંત હાઈસ્કૂલ નજીક હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ ચિત્રકૂટ ધામમાં હનુમાન મંદિરે ગયા હતાં. આ દરમિયાન બંને મહાનુભાવોએ વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
૨૦૧૯માં બાપુ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે એક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે મહામહિમે કહ્યું હતું કે એક વખત આપના ગામ આવીશ. ભાવનગર જિલ્લાની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવ્યા હતા, સવારે ભાવનગર આવી ત્યાંથી તલગાજરડા આવ્યા હતાં. જ્યારે રાષ્ટ્રપતિએ પોતાની ગાડી અને કાફલાને દરવાજા બહાર રોકી ચાલતા અંદર પ્રવેશ કર્યો ત્યારે અહીંયા રહેલા પત્રકારો અને અન્ય બંદોબસ્તમાં રહેલાને પણ નવાઈ લાગી હતી અને નજીકથી જ અંગરક્ષકો સાથે રાષ્ટ્રપતિ વંદન મુદ્રા સાથે મોરારિબાપુને મળ્યા હતા. રાષ્ટ્રપતિ સાથે તેમના પત્ની સવિતા કોવિંદ અને તેમના પુત્રી સ્વાતિ પણ આવ્યા હતા. લગભગ એક કલાકથી વધારે સમય તેમણે ત્યાં ગાળ્યો હતો અને પછી કૈલાશ ગુરુકૂળ ખાતે પ્રસાદ લીધો હતો. તેઓએ પ્રસાદ લઈને લગભગ બે કલાક જેટલો સમય વિતાવીને ત્યાં વિશ્રામ કર્યો હતો. અને પછી ભાવનગર શહેરમાં બીજા એક કાર્યક્રમમાં સામેલ થવા માટે રવાના થયા હતા.
પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિ તલગાજરડાના લોકોને રસ્તા પર જઈને મળ્યા હતા અને કહ્યું હતું કે દિલ્હી આવો તો કહેજો કે હું તલગાજરડાનો છું. હું તમને મળીશ. તેમણે બાપુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરતા એમ કહ્યું કે, બાપુ આ ખૂબ દિવ્ય અને પવિત્ર સ્પંદનોવાળું વાતાવરણ છે અને એમ થાય છે કે હું ફરી વખત આવું. ગર્વનર અને શિક્ષણ મંત્રી પણ તેમની સાથે હતા.
રાષ્ટ્રપતિની રાજ્યપાલ સાથે મુલાકાત
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ કોવિંદે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ સાથે મુલાકાત કરી હતી અને હાઈ-ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને અન્ય ન્યાયમૂર્તિઓ રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.
ભાવનગરમાં નવનિર્મિત ૧૦૮૮ આવાસનું લોકાર્પણ કરતા રાષ્ટ્રપતિ
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત
રૂ. ૫૮.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૦૮૮ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અવસરે સહભાગી થયા હતા. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવનિર્મિત આવાસોના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિએ દિવાળીના પર્વ પૂર્વે ગૃહ પ્રવેશ કરી રહેલા લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પ્રતિકરૂપે ૫ લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરી હતી. આ પ્રસંગે દિવાળી પૂર્વે ઘરનું ઘર મળતા લાભાર્થીઓમાં મંગલ ગૃહ-પ્રવેશનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

