રાજકોટઃ સીંગતેલની નિકાસ માટે ૨૦૨૦નું વર્ષ ઐતિહાસિક બની રહ્યું પણ આ વર્ષે સાવ ઉલ્ટી સ્થિતિ છે. મગફળીની આવક ઓક્ટોબરમાં જોરશોરથી થવા લાગી છે. સીંગતેલ મિલો ચાલવા લાગી છે પણ સીંગતેલની ચીનમાંથી પૂછપરછ નહીં હોવાથી દિવાળી પૂર્વે કોઇ સોદા શક્ય બન્યા નહીં હોવાનું નિકાસકારોએ જણાવ્યું હતું.
સીંગતેલની નિકાસ ગયા વર્ષમાં ૨.૨૫ લાખ ટન જેટલી થઇ હતી તેના કારણે ખેડૂતોને મગફળીનો પોસાણક્ષમ અને ટેકા કરતા ઉંચો ભાવ આરંભે મળ્યો હતો. આ વખતે પણ મગફળીનો ભાવ ખૂબ સારો છે પરંતુ નિકાસ માટે માત્ર પૂછપરછ જ થઇ રહી હોવાથી ઉદાસિનતા છે. સીંગતેલ જ નહીં સીંગદાણામાં પણ નિકાસની માગ ખૂબ નબળી છે. ખાસ કરીને ચીનની લેવાલી હજુ સુધી આવી નથી.
પાછલા વર્ષે નિકાસમાં મોટાપાયે સીંગતેલ આપનારા એક નિકાસકારે નામ ન આપવાની શરતે કહ્યું કે, ચીનની પૂછપરછો આવે છે એમાં આ વર્ષે અમે ૧૭૫૦ ડોલરના ભાવથી એક ટન સીંગતેલ ઓફર કરી રહ્યા છીએ પરંતુ સોદા ઉતરતા નથી.

