સાવરકુંડલા: સાવરકુંડલામાં છ દાયકાથી દિવાળીની રાત્રે ખેલાતા ઈંગોરીયા યુદ્ધમાં છેલ્લા બે વર્ષ કોરોના મહામારીનું વિઘ્ન આવ્યા બાદ ચાલુ વર્ષે મહામારી હળવી થતાં તનમનથી લડી લેવા યુવાઓ સજ્જ બન્યા છે અને સેંકડો ઈંગોરીયા તૈયાર કરી લીધા છે. જેમાં પરંપરાગત રીતે જોમ-જુસ્સા સાથે સામસામા બે જૂથ એકબીજા પર સળગતા ઈંગોરીયા ફેંકીને નિર્દોષ આનંદ લૂંટશે.
દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીની માટી અને પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે. ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય છે. દીવાળીની રાત્રીએ આવા તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરીને આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે. આ ઈંગોરીયાને કાથીની વાટ કે જામગરી વડે સળગાવાય છે અને સામસામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે.

