ગાંધીનગર: ગુજરાતમાં સાસણ ગીરના એશિયાટીક લાયન માટે ૧,૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લાયનને કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ થકી ગીર અભ્યારણ્યમાં સિંહોના શિકાર અને અન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવા તેમજ દેખરેખ વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે. ૧૦ વર્ષ માટેના આ પ્રોજેક્ટનું અમલીકરણ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી કરવાની છે.
પ્રોજેક્ટ લાયન માટે ગુજરાતના કેટલાક અધિકારીઓ તેમજ વન્ય પ્રાણી નિષ્ણાંતોને નિયુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે. અમલીકરણ એજન્સી દ્વારા સિંહોને પુરતો ખોરાક મળી રહે તે માટે વન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવાનું આયોજન છે. આ ઉપરાંત દરિયાઇ પટ્ટી સહિતના વિસ્તારો કે જ્યાં સિંહોની વસતી છે ત્યાં તેમને અનુરૂપ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
પ્રોજેક્ટ લાયન પ્રમાણે ગીર જંગલમાં નિલગાય સહિતના પ્રાણીઓને આકર્ષવા માટે વૃક્ષોનું વાવેતર વધારવામાં આવશે. આ પ્રોજેક્ટમાં શિકાર માટેની વ્યવસ્થા ઉપરાંત ખુલ્લા કુવાને ઢાંકવા, પીવાના પાણી માટે કૃત્રિમ તળાવો બનાવવા તેમજ સિંહોના સંરક્ષણની કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.