વડોદરા: ૪૧ વર્ષ પછી ભારતીય ટીમ ઓલિમ્પિકમાં હોકીની સેમી ફાઈનલમાં પહોંચી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાત (વડોદરા)ને હોકીમાં મેડલ મળ્યો છે. ૭ દશકામાં ગુજરાતે એક માત્ર ઓલિમ્પિક મેડલ મેળવ્યો છે, જે વડોદરાના ગોવિંદરાવ સાવંતે જીત્યો હતો. ૧૯૬૦માં સાવંત રોમ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય હોકી ટીમના સભ્ય હતા, જેમણે લડાયક રમત દાખવી હતી.
ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસો.ના સેક્રેટરી લક્ષ્મણ કરંજગાંવકરે જણાવ્યું કે, ‘રોમ ઓલિમ્પિકમાં હોકીની ફાઇનલમાં ભારત પહોંચ્યું હતું, પણ પરાજય થતાં ભારત અને સાવંતને રજત ચંદ્રક મળ્યો હતો.
૧૯૩૫માં સાવંત મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યા હતા. તેમણે યુવાન વયે હોકી રમવાનું શરૂ કર્યું હતું. ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન પહેલાં તે બોમ્બે પ્રોવિન્સ ટીમ વતી રમતા હતા. સાવંત લેફ્ટ હાફ પોઝિશનમાં રમવાનું પસંદ કરતા હતા. તેમની સુંદર રમતના કારણે રોમ ઓલિમ્પિક માટે પસંદગી કરાઈ હતી. તેમની પાસે પૂરતા પૈસા ન હોવાથી ૨૦૦૧માં સયાજી હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. જે બાદ થોડાક મહિનામાં તેમનું નિધન થયું હતું. આ પછી બરોડા ડિસ્ટ્રિક્ટ હોકી એસો. દ્વારા તેમના નામે ટુર્નામેન્ટ યોજવાનું શરૂ કર્યું હતું.
ખેલાડીઓએ મોટા સ્ક્રીન પર સેમિ ફાઈનલ નિહાળી
૪૧ વર્ષ પછી ભારતીય ટીમ ઓલિમ્પિકમાં હોકીની સેમી ફાઈનલમાં પહોંચતાં વડોદરાના હોકી ખેલાડીઓએ એક સાથે મોટા સ્ક્રીન પર મેચ નિહાળી હતી. નારાયણ ગુરૂ તાલીમ શાળા ખાતે મોટી સ્ક્રીન પર હોકી ખેલાડીઓ મેચ જોઈ શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.